ગુજરાતમાં વાહનની વધુ ઝડપને કારણે દરરોજ 16ના થતા મોત

January 26, 2020

'દારૂબંધી' છતાં દારૂના નશામાં વાહન ચલાવતા 122 વાહનચાલકોએ જીવ ગુમાવ્યો

ગાંધીનગર ઃ વાહનની વધુ પડતી ઝડપને કારણે ગુજરાતમાં એક વર્ષમાં અકસ્માતના ૧૩૯૪૧ કેસ નોંધાયા છે, તેમાંથી ૧૩૧૪૮ને ઈજા પહોંચી છે અને ૫૯૭૨ના મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં પ્રતિ દિવસે સરેરાશ ૧૬ વ્યક્તિ વાહનની વધુ પડતી ઝડપને કારણે જીવ ગુમાવે છે.  


વાહનની વધુ પડતી ઝડપને કારણે સૌથી વધુ મૃત્યુ થતા હોય તેમાં અમદાવાદ મોખરે છે. વર્ષ ૨૦૧૮ના નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર અમદાવાદમાં કુલ ૨૯૩ વ્યક્તિના વાહનની વધુ પડતી ઝડપને કારણે મૃત્યુ થયા હતા. આમ, અમદાવાદમાં પ્રતિ માસમાં સરેરાશ ૨૪ વ્યક્તિ વાહનની વધુ પડતી ઝડપને કારણે મૃત્યુ થાય છે. બીજી તરફ સુરતમાં ૨૭૧, રાજકોટમાં ૨૦૨ વ્યક્તિના વાહનની વધુ પડત ઝડપને કારણે મૃત્યુ થયા હતા. વાહનની વધુ પડતી ઝડપથી મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યમાં તામિલનાડુ ૯૨૨૪ સાથે મોખરે, કર્ણાટક ૯૦૧૪ સાથે બીજા સ્થાને છે.

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂ-ડ્રગ્સના નશામાં વાહન ચાલકના અકસ્માત થવાનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે. દારૂ-ડ્રગ્સના નશામાં વાહન અકસ્માતના નોંધાયેલા ૩૦૦ કેસમાંથી ૨૯૬ ઘાયલ થયા હતા અને ૧૨૨ના મૃત્યુ થયા છે. દારૂ-ડ્રગ્સના નશામાં વાહન ચાલકના સૌથી વધુ મૃત્યુ થતા હોય તેમાં ઉત્તર પ્રદેશ ૭૫૪ સાથે મોખરે, ઝારખંડ ૫૪૪ સાથે બીજા અને રાજસ્થાન ૨૮૫ સાથે ત્રીજા સ્થાને છે. સમગ્ર દેશમાંથી કુલ ૩૨૭૨ વાહનચાલકોએ દારૂ-ડ્રગ્સના નશાને લીધે જીવ ગુમાવ્યો છે. 

શહેરની રીતે જોવામાં આવે તો અમદાવાદમાં દારૂ-ડ્રગ્સના નશામાં અકસ્માત થયા હોય તેવા કુલ પાંચ કેસ નોંધાયા છે અને તેમાંથી બે વ્યક્તિના મૃત્યુ થયા છે. ગત સપ્તાહે ગુજરાતમાં થયેલા એક અકસ્માત પાછળ ડ્રાઇવરનો થાક જવાબદાર  હોવાનું સામે આવ્યું હતું. રાજ્યમાં એક વર્ષમાં ડ્રાઇવરના થાક લાગવાથી અકસ્માત થયો હોય તેવા ૧૭૩ કેસ નોંધાયા છે અને તેમાંથી ૬૬ના મૃત્યુ થયા છે. 

ડ્રાઇવરના થાક લાગવાથી જીલલેણ અકસ્માતના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં મધ્ય પ્રદેશ ૧૪૯ સાથે મોખરે, ઉત્તર પ્રદેશ ૧૧૧ સાથે બીજા, ઝારખંડ ૧૩૭ સાથે ત્રીજા, ગુજરાત-પંજાબ ૬૬ સાથે સંયુક્ત રીતે ચોથા અને બિહાર ૬૫ સાથે પાંચમાં સ્થાને છે.ગુજરાતમાં રોડની ખરાબ માળખાગત સવલતોથી ૫૪ લોકોના જીન ગયા છે.