દ.આફ્રિકામાં મળ્યો નવો કોરોના, 3માંથી 1નું મોત થશે!: વુહાનના વૈજ્ઞાનિક

January 28, 2022

કોરોના વાયરસનો સૌથી પહેલો ગઢ ચીનના વુહાન શહેરના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે એક નવો કોરોના વાયરસ ‘NeoCov’ એ દુનિયામાં દસ્તક દઇ દીધી છે. આ નવો કોરોના વાયરસ ખૂબ જ સંક્રમક છે અને તેનાથી સંક્રમિત દર ત્રણમાંથી એક દર્દીનું મોત થઇ શકે છે. તેમણે કહ્યું કે આ નવો કોરોના દક્ષિણ આફ્રિકામાં મળ્યો છે. જો કે વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે આ નવો નિયોકોવ કોરોના વાયરસ નવો નથી. રાહતની વાત એ છે કે નવો કોરોના વાયરસ હજી માનવજાતમાં ફેલાયો નથી.

રૂસની ન્યૂઝ એજન્સી સ્પુતનિકના રિપોર્ટ પ્રમાણે આ નિયોકોવ કોરોના વાયરસ મર્સ કોવ વાયરસથી જોડાયેલો હોય છે. સૌથી પહેલાં 2021 અને 2015ની સાલમાં પશ્ચિમ એશિયાના કેટલાંય દેશોમાં તેના પ્રકોપની ખબર પડી હતી. આ SARSCoV-2ની જેમ જ આનાથી માણસોમાં કોરોના વાયરસનું સંક્રમણ થાય છે. દક્ષિણ આફ્રિકામાં અત્યારે આ નિઓકોવ વાયરસ ચામચીડિયાની અંદર જોવા મળ્યો છે અને અત્યારે માત્ર પશુઓમાં જ જોવા મળ્યો છે.

BioRxiv વેબસાઈટ પર પ્રકાશિત થયેલા સંશોધન મુજબ NeoCoV અને તેના નજીકના સહયોગી PDF-2180-CoV મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. વુહાન યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોના જણાવ્યા અનુસાર માનવ કોષોને સંક્રમિત કરવા માટે આ નવા કોરોના વાયરસ માટે માત્ર એક મ્યુટેશનની જરૂર છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે NeoCoV વાયરસ MERS ની જેમ જ ઘણા દર્દીઓના મૃત્યુનું કારણ બની શકે છે. આ આંકડો દર 3 દર્દીઓમાંથી 1 હોઈ શકે છે.