રશિયાના હુમલામાં યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટનો કચ્ચરઘાણ

August 08, 2022

કીવ: યુક્રેન પર રશિયાના આક્રમણના લગભગ સાડા પાંચ મહિનામાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટને ભારે નુકસાન થયું હોવાનો અને તેનાથી રેડિયેશનનું જોખમ ઊભું થયું હોવાનો દાવો કર્યો છે. આઈએઈએએ ચેતવણી આપતા રવિવારે કહ્યું કે, રશિયાએ શુક્રવારે ઝાપોરિજ્જિયામાં પરમાણુ પ્લાન્ટ પર કરેલો હુમલો આગ સાથે રમવા સમાન છે. આ હુમલામાં પ્લાન્ટને ભારે નુકસાન થયું છે. જોકે, રશિયન સંરક્ષણ મંત્રાલયે યુક્રેને પ્લાન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ કર્યો હતો. આંતર-રાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (આઈએઈએ)ના પ્રમુખ રાફેલ મારિયાનો ગ્રોસીએ જણાવ્યું છે કે રશિયાએ શુક્રવારે કરેલા હુમલામાં ઝાપોરિજ્જિયા સ્થિત યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર પ્લાન્ટને ભારે નુકસાન થયું છે, જેનાથી આ વિસ્તારમાં રેડિયેશનનો ભય ફેલાયો છે. યુરોપના સૌથી મોટા ન્યુક્લિયર રીએકટર ઉપર થયેલી બોમ્બ વર્ષાથી હું ઘણો ચિંતાતુર છું. તેનાં રેડિયેશનથી આસપાસના વિસ્તારનાં જાહેર સ્વાસ્થ્ય અને પર્યાવરણ ઉપર પણ ભય ઉભો થયો છે.
યુક્રેનનો પરમાણુ પ્લાન્ટ ચલાવતી એનેર્ગોટોમ કંપનીએ ઝાપોરિજ્જિયા પ્લાન્ટને ગંભીર નુકસાન થયું હોવાની પુષ્ટી આપતા કહ્યું કે, પરમાણુ પ્લાન્ટ પર હુમલાના કારણે તેના રિએક્ટરોમાંથી એકને બંધ કરી દેવાની ફરજ પડી છે. યુરોપીયન યુનિયનના ટોચના રાજદ્વારી જોસેપ બોરેલે રશિયા પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું કે, પરમાણુ પ્લાન્ટ પર રશિયાનો મિસાઈલમારો દર્શાવે છે કે તે આંતરરાષ્ટ્રીય નિયમોની કેવી અવગણના કરે છે. બીજી તરફ યુક્રેનમાંથી હવે ઘઉંની નિકાસ શરૂ થઇ ચુકી છે. યુક્રેનના મંત્રી એલેકઝાન્ડર કુબ્રાકોવે કહ્યું હતું કે યુદ્ધ શરૂ થયા પછી પહેલી જ વાર એક વિદેશી જહાજ યુક્રેનનાં બંદરે લાંગર્યુ છે. બાર્બાડોસનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવતું એક જહાજ ફૂલમાર એસ. યુક્રેનનાં ચાર્નોમોર્સ્ક બંદરગાહે લાંગર્યું છે. એક તરફ કીવ અને મોસ્કો યુરોપની સૌથી મોટી ન્યુક્લિયર સાઇટનાં નુકસાન માટે એક બીજાપર આક્ષેપબાજી કરી રહ્યા છે તો બીજી તરફ રવિવારે ૧૬૫મા દિવસમાં પ્રવેશેલા આ યુદ્ધમાં રશિયાને થયેલાં અસામાન્ય નુકસાનની વિગતો બહાર આવતી જાય છે. યુક્રેનના દાવા મુજબ લગભગ સાડા પાંચ મહિનાથી ચાલતા આ યુદ્ધમાં રશિયાએ ૪૨,૨૦૦ સૈનિકો ગુમાવ્યા છે. યુક્રેનના વર્તમાનપત્ર 'ધી કીવ ઇન્ડીપેન્ડન્ટ'એ યુક્રેનનાં સશસ્ત્રદળોના અહેવાલોને ટાંકીને જણાવ્યું છે કે સૈનિકો ગુમાવવાની સાથે રશિયાએ ૨૨૩ વિમાનો ૧૮૦૫ ટેન્ક, ૧૯૧ હેલિકોપ્ટર્સ, ૮૬ સ્પેશ્યલ ઇક્વિપમેન્ટસ, ૧૩૨ એન્ટી એર ક્રાફ્ટ ગન્સ, ૨,૯૭૮ વ્હીકલ્સ અને ફ્યુએલ ટેન્કસ તથા ૧૮૨ ક્રૂઝ મિસાઇલ્સ, ૪૦૫૫ + ૪ એપીવી ૧૫ બોટ, અને ૯૫૮ આર્ટીલરી સીસ્ટીમ્સ પણ ગુમાવી છે.
આ પરિસ્થિતિમાં તુર્કીના પ્રમુખ રેસેપ તૈય્યીબી એર્ડોગન રશિયાના પ્રમુખ પુતિનને શુક્રવારે મળ્યા હતા અને યુદ્ધ બંધ કરવા માટે મધ્યસ્થી થવાની તૈયારી દર્શાવી હતી. તેઓએ જ ઘઉંની નિકાસ માટે યુદ્ધ વિહીન પથ કાળા સમુદ્રમાં સ્થાપવા માટે બંને પક્ષોને સમજાવ્યા હતા. અને બંને તે માટે સહમત પણ થયા હતા. હવે તેઓના શાંતિ સ્થાપવાના પ્રયાસો કેટલે અંશે સફળ થશે તે જોવાનું રહે છે. દુઃખદ વાત તે છે કે તજજ્ઞાો નજીકનાં ભવિષ્યમાં યુદ્ધ બંધ થવાની આશા રાખતા નથી.