પીએસએ દૂર થતાં જ ફારુક અબ્દુલ્લા નજરકેદમાંથી મુક્ત

March 14, 2020

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રે ફારુક અબ્દુલ્લા સામેનો પબ્લિક સેફટી એકટ તાત્કાલિક અસરથી હટાવ્યો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ગૃહ સચિવ શાલીન કાબરાએ આપેલા આદેશ અનુસાર અબ્દુલ્લા સામેનો પીએસએ (પબ્લિક સેફટી એકટ) હટાવવામાં આવ્યો હતો. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શાહીદ ઈકબાલ ચૌધરી અબ્દુલ્લાના નિવાસસ્થાનમાં પ્રવેશ્યા હતા અને તેમને રિલીઝ ઓર્ડર સોંપવામાં આવ્યો હતો.
પીએસએ હટાવવાના અને ફારુક અબ્દુલ્લાને મુક્ત કરવાના પગલાંનું નેશનલ કોન્ફરન્સે સ્વાગત કર્યું હતું. ઓમર અબ્દુલ્લા અને અન્ય નેતાઓને પણ મુક્ત કરવાની નેશનલ કોન્ફરન્સે વહીવટી તંત્રને વિનંતી કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા ફરી શરૂ કરવા તરફનું પ્રથમ પગલું છે. જમ્મુ અને કાશ્મીરનો અગ્રણી પક્ષ નેશનલ કોન્ફરન્સે લોકોનો અવાજ બુલંદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને આમ કરવાનું ચાલુ રાખવામાં આવશે.
ફારુક અબ્દુલ્લા હાલમાં લોકસભા સાંસદ છે અને પાંચ વાર સંસદ સભ્ય રહી ચૂકયા છે. તત્કાલીન જમ્મુ - કાશ્મીર રાજયના તેઓ મુખ્ય પ્રધાન પણ હતા. પાંચમી ઑગસ્ટેકેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજજો નાબૂદ કર્યો હતો. તે દિવસે ફારુક અબ્દુલ્લા અને અન્ય રાજકીય નેતાઓની અટકાયત કરી હતી. ૧૫મી સપ્ટેમ્બરે તેમની સામે પીએસએ લગાવવામાં આવ્યો હતો અને ૧૩મી ડિસેમ્બરે વધુ ત્રણ મહિના માટે લંબાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ સત્તાવાળાઓ અદાલતી કાર્યવાહી વગર કોઈ વ્યક્તિની ત્રણ મહિના સુધી અટકાયત કરી શકે છે અને બે વર્ષ સુધી લંબાવી શકે છે.
નજરકેદમાંથી મુક્ત થયા પછી ફારુક અબ્દુલ્લાએ એક નિવેેદનમાં કહ્યું હતું કે, ‘હું મુક્ત થયો છું... અન્ય રાજકીય નેતાઓને પણ ટૂંક સમયમાં મુક્ત કરવામાં આવશે તેવી આશા રાખું છું. મને મુક્ત કરાવવા જે સંસદ સભ્યોએ પ્રયત્ન કર્યો હતો તેમનો આભાર. અન્ય નેતાઓની મુક્તિ થશે તે પછી ભવિષ્ય બાબતમાં નિર્ણય લઈશ.