ફેડરર-નડાલને કારણે જ ૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી શક્યો છું : યોકોવિચ

July 13, 2021

લંડનઃ સર્બિયાના વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે ઈટાલીના બેરેટ્ટીનીને ચાર સેટના સંઘર્ષમાં ૬-૭ (૪-૭), ૬-૪, ૬-૪, ૬-૩થી હરાવીને કારકિર્દીનું છઠ્ઠું વિમ્બલ્ડન અને ૨૦મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતુ. આ સાથે તેણે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ જીતવાના ફેડરર-નડાલના રેકોર્ડની બરોબરી કરી હતી. કારકિર્દીની માઈલસ્ટોન સમાન સિદ્ધિ હાંસલ કર્યા બાદ યોકોવિચે ફેડરર-નડાલના ભારોભાર વખાણ કર્યા હતા. યોકોવિચે વિમ્બલ્ડન ટાઈટલ જીત્યા બાદ કહ્યું હતું કે, હું અહીં સુધી પહોંચી શક્યો છું, તેની પાછળનું કારણ ફેડરર-નડાલ જ છે. તેઓ ટેનિસની રમતના મહાન ખેલાડીઓ છે. તેમણે મને અહેસાસ કરાવ્યો છે કે, મારે મારી રમતમાં શું સુધારો કરવાનો છે. ૩૪ વર્ષીય સર્બિયન સ્ટારે ભૂતકાળને વાગોળતાં કહ્યું હતુ કે, હું માર્ચ, ૨૦૦૭માં સૌપ્રથમ વખત ટોપ-ટેનમાં પ્રવેશ્યો હતો. આ પછી ત્રણ વર્ષ સુધી તે મોટાબાગની મહત્વની મેચો ફેડરર-નડાલ સામે જ હાર્યો હતો. આ પછી વર્ષ ૨૦૧૦-૧૧ના અંત ભાગમા અચાનક મારી રમતમાં નિખાર આવ્યો અને ત્યારથી શરૃ થયેલી યાદગાર સફરને ૧૦ વર્ષ પુરા થઈ ચૂક્યા છે અને હજુ હું આગળ વધી રહ્યો છું.
ફેડરરે ટ્વીટ કરીને યોકોવિચને અભિનંદન આપતાં લખ્યું કે, ટેનિસ ચેમ્પિયન્સના વિશિષ્ટ યુગમાં મને રમવાની તક મળી તેનું હું ગૌરવ અનુભવુ છું. નડાલે પણ યોકોવિચને શુભેચ્છા પાઠવતાં ૨૦ ગ્રાન્ડસ્લેમની સિદ્ધિને ઘણી મોટી ગણાવી હતી. દરમિયાનમાં ટેનિસ લેજન્ડ જોન મેકેન્રોએ કહ્યું છે કે, જો યોકોવિચ તેની ફિટનેસને જાળવી શકશે તો હજુ તે વધુ ચાર-પાંચ ગ્રાન્ડ સ્લેમ તો આસાનીથી જીતી શકે તેમ છે.