પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, ચૂંટણી પંચે 18 ઓગસ્ટે બોલાવ્યા

August 08, 2022

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વડાઈમરાન ખાનને સરકારી તિજોરીના સંગ્રહ સંબંધમાં નોટિસ પાઠવી છે. ECPએ ઈમરાન ખાનને 18 ઓગસ્ટે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. ઈમરાન ખાન પર આરોપ છે કે, તેમના કાર્યકાળ દરમિયાન મોટાભાગનો સામાન સરકારી સ્ટોર્સમાંથી મફતમાં લીધો હતો.

પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ દ્વારા તેમની વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેમને પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા નોટિસ જારી કરવામાં આવી હતી. પીડીએમએ દાવો કર્યો હતો કે, ઈમરાનને 14 કરોડ રૂપિયાની 58 ભેટ મળી હતી, જેના માટે તેણે ખૂબ જ ઓછી રકમ ચૂકવી હતી. તેમના પર એવો પણ આરોપ હતો કે, ઈમરાન ખાને તેમને મળેલી ગિફ્ટનો ખુલાસો કર્યો ન હતો અને તેમની માહિતી છુપાવી હતી.

પાકિસ્તાની કાયદા અનુસાર વિદેશી મહેમાનો પાસેથી મળેલી ભેટ તોશાખાનામાં જમા કરાવવી ફરજિયાત છે. ભેટની કિંમતના ઓછામાં ઓછા અડધા ચૂકવીને તેને વ્યક્તિગત મિલકત તરીકે રાખી શકાય છે. આના દ્વારા કમાયેલા પૈસા રાષ્ટ્રીય તિજોરીમાં જમા થાય છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગયા મહિને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાને તિજોરીમાંથી સ્થાનિક ઘડિયાળના વેપારીને ત્રણ મોંઘી ઘડિયાળો વેચી હતી, જેની કુલ કિંમત 1.54 મિલિયન પાકિસ્તાની રૂપિયા છે.