દેશભરમાં બકરી ઈદની ઉજવણી : જામા મસ્જિદમાં નમાજ અદા કરાઈ

August 01, 2020

નવી દિલ્હી : દેશભરમાં આજે ઈદ અલ અઝા એટલે કે બકરી ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દિલ્હી ખાતે આવેલી જામા મસ્જિદમાં લોકોએ શનિવાર સવારની નમાજ અદા કરી હતી. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6:05 કલાકે નમાજ અદા કરવામાં આવી હતી. કોરોના સંકટના કારણે જામા મસ્જિદમાં નમાજ અદા કરવા આવેલા લોકોએ વારંવાર મસ્જિદ પ્રશાસનને અંતર જાળવીને નમાજ અદા કરવાની વિનંતી કરી હતી. 

જામા મસ્જિદ ખાતે તૈનાત પોલીસ કર્મચારીઓએ થર્મલ સ્ક્રીનિંગ બાદ લોકોને મસ્જિદમાં પ્રવેશ આપ્યો હતો. જો કે જામા મસ્જિદમાં નમાજ દરમિયાનની મિશ્રિત તસવીરો સામે આવી છે. કોરોના સંકટના કારણે કેટલાક નમાજીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા તો બીજી બાજુ તેનું ઉલ્લંઘન પણ સામે આવ્યું હતું. મસ્જિદમાં આગળ બેઠેલા લોકો તો અંતર જાળવીને નમાજ અદા કરી રહ્યા હતા પરંતુ પાછળ બેઠેલા લોકો ખૂબ જ નજીક બેસીને નમાજ અદા કરતા જોવા મળ્યા હતા. 

કેટલાક લોકોએ મસ્જિદની સીડીઓ પર બેસીને પણ નમાજ અદા કરી હતી. નમાજ બાદ લોકો ઉતાવળમાં એકબીજાને અડીને ભીડમાં બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જ મસ્જિદમાં ફરતા જોવા મળ્યા હતા.