હરિયાણાની ખટ્ટર સરકાર પાસે નથી બહુમત, અમે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીશું: ભૂપેન્દ્રસિંહ હુડા

February 23, 2021

નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડાએ કહ્યું છે કે મનોહર લાલ ખટ્ટરની સરકાર બહુમતી ગુમાવી ચૂકી છે અને કોંગ્રેસ વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. હૂડાએ કહ્યું કે સરકારનાં ગઠબંધન સહયોગીના ધારાસભ્યો જ કહી રહ્યા છે કે આ સૌથી ભ્રષ્ટ સરકાર છે. હૂડાએ સોમવારે કહ્યું કે, "આ સરકારે લોકો અને ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવી દીધો છે, તેથી અમે અવિશ્વાસ પ્રસ્તાવ લઇને આવીશું." સરકારને ટેકો આપનારા બે સ્વતંત્ર ધારાસભ્યોએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો છે. ગઠબંધન સહયોગી પાર્ટીનાં કેટલાક ધારાસભ્યોએ કહ્યું કે આ સૌથી ભ્રષ્ટ સરકાર છે.' હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હૂડાએ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત ફરી શરૂ કરવી જોઈએ જેથી આ મુદ્દાનું સમાધાન આવે. હૂડાએ પત્રકારોને જણાવ્યું  કે, સરકારે ટૂંક સમયમાં આ મુદ્દાનું સમાધાન શોધી કાઢવું જોઈએ. ચર્ચાની પ્રક્રિયા શરૂ કરવા અને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા સરકારે પહેલ કરવી જોઈએ.''
હરિયાણાની BJP-JJP ગઠબંધન સરકાર પર પ્રહાર કરતા હુડાએ દાવો કર્યો કે વીજળી વિભાગમાં સબ ડિવિઝનલ અધિકારીઓની નિમણૂકમાં અન્ય રાજ્યોના યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. હૂડાએ કહ્યું હતું કે, એક તરફ સરકારનો દાવો કરે છે કે તે હરિયાણાના લોકોને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા અનામત આપશે, પરંતુ સરકાર અન્ય ભરતીમાં સ્થાનિક યુવાનોને બદલે અન્ય રાજ્યોના લોકોને નોકરી આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારની નીતિઓને કારણે રોજગારની તકો ઉભી થઈ નથી.