શહેર કરતાં પરાં વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો : મુંબઈમાં ચાર ઈંચ વરસાદ

July 06, 2020

મુંબઈ : લાંબી પ્રતિક્ષા બાદ આજે ત્રીજા દિવસે પણ મુંબઈ સહિત થાણેમાં મેઘરાજા મૂશળધાર વરસ્યા હતા. આજે  દરિયામાં મોટી ભરતી વેળા ભારે વરસાદ વરસતા શહેરભરમાં ઠેકઠેકાણે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા.   દરિયો તોફાને ચઢતાં દરિયા કાંઠાના વિસ્તારમાં દરિયાનું પાણીનું  મકાનો તથા ઘરોમાં ઘૂસી જતાં લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતં. શહેરમાં વૃક્ષો તૂટી પડવાની, દિવાલ-ભીંત  પડવાની, શોર્ટસર્કિટના બનાવ બન્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. શહેરને પાણી પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં પણ સારો વરસાદ વરસ્યો હતો. મુંબઈનું પવઈ તળાવ છલકાયું છે.

આજે સવારે  સાંતાક્રુઝમાં ૧૦૩.૯ મિ.મિ. (ચાર ઇંચ) અને કોલાબામાં ૧૧.૬ મિ.મિ. વરસાદ વરસ્યો હોવાનું વેધશાળાએ નોંધ્યું હતું. જોકે અત્યાર સુધી કોલાબામાં ૯૧૫.૬ મિ.મિ. (સાડા ૩૬ ઇંચ) અને સાંતાક્રુઝમાં ૭૮૦.૧ મિ.મિ (૩૧ ઇંચ) વરસાદ નોંધાયો છે. એટલે કોલાબામાં ૩૯.૯૫ ટકા અને સાંતાક્રુઝમાં ૨૯.૨૪ ટકા વરસાદ વરસ્યો છે, એમ વેધશાળાએ જણાવ્યું હતું.

જ્યારે પાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે શહેરમાં વિવિધ સ્થળે વરસેલા વરસાદના આંકડા આવ્યા હતા. એમાં શનિવાર રાતથી આજે સાંજ સુધી તળ મુંબઈમાં ૧૫૧.૫૧ મિ.મિ. (૬ ઇંચ), પશ્ચિમ ઉપનગરમાં ૧૫૪.૮૯ મિ.મિ. (૬ ઇંચ) અને પૂર્વ ઉપનગરમાં ૧૮૨.૩ મિ.મિ. (સવા સાત ઇંચ) વરસાદ વરસ્યો હતો. આજે ત્રીજા દિવસે ભારે વરસાદમાં શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. એટલે કે મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાયા હતા. એમાં બાંદરા નેશનલ કોલેજ, એન્ટોપ હિલ, બેલ બજાર, શીતલ, સેઇલ કોલોની, કિંગસર્કલ, ગાંધી માર્કેટ, સાયન વલ્લભ રોડ, અંધેરી સબવે, મિલન સબવે, મલાડ સબવે, દહિસર સબવે, વડાલા સ્ટેશન, ચેમ્બુર પુલ નીચે, વડાલા કિડવાઈ રોડ, હિંદમાતા, શિવડી, વિદ્યા વિહાર, નાના ચોક, લોઅર પરેલ, વિલે પાર્લે, અંધેરી (પ.), મલાડ, બોરીવલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આના પગલે અનેક ઠેકાણે વાહનવ્યવહારને અન્ય માર્ગે વાળવો પડયો હતો. જ્યારે બેસ્ટ ઉપક્રમે ૪૦ જેટલી બસોને શહેરના દસ માર્ગ પરથી પાણી ભરાયેલા તે ઠેકાણે અન્ય માર્ગે બસને વાળીને ચલાવી હતી. જોકે આજે બેસ્ટ ઉપક્રમના કાફલા પૈકી ૧૭૮૩ બસ દોડાવી હતી. આજે રવિવાર હોવાથી મુંબઈગરા અને થાણેગરા ઘરમાં રહ્યા હતા. આથી ખાસ ટ્રાફિકની સમસ્યા થઈ નહોતી. એટલું જ નહીં, કોરોનાને લીધે લોકડાઉન હોવાથી મુંબઈગરાના જનજીવન પર ખાસ ્સર થઈ નહોતી.

દરમિયાન ભારે વરસાદની આજે આગાહી હોવાથી મુંબઈગરાને ઘરની બહાર નહીં નીકળવાની અપીલ પાલિકા તથા પોલીસ થકી કરવામાં આવી હતી. આજે ભારે વરસાદમાં  ૧૨ ઠેકાણે ઘર અને દિવાલ પડવાની દુર્ઘટના બની હતી. ૬૦ વૃક્ષો તૂટી પડયા હતા. અને ૩૫ ઠેકાણે શોર્ટ સર્કિટના કિસ્સા બન્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.