મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવે તો એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બની શકે

June 21, 2022

મુંબઈ- મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવાની આગેવાની લેનારા એકનાથ શિંદે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવી ગયા છે. રાજ્યના શહેરી વિકાસ અને જાહેર બાંધકામ ખાતાંના પ્રધાન શિંદે ચાર ટર્મથી ધારાસભ્ય છે અને તેમના પુત્ર શ્રીકાંત શિંદે પક્ષના લોકસભાના સભ્ય છે. 


58 વર્ષીય શિંદેએ રાજકીય કારકિર્દીની શરૂઆત થાણેના મ્યુનિસિપલ કાઉન્સીલર તરીકે કરી હતી. તાજેતરમાં જ જેમના પરથી મરાઠીમાં બાયોપિક ધરમવીર રિલીઝ થઈ છે એવા શિવસેનાના થાણેના પાવરફૂલ લીડર આનંદ દીઘેનો હાથ પકડીને શિંદે રાજકારણમાં આગળ આવ્યા હતા. દીઘેના અવસાન બાદ થાણેમાં શિવસેના માટે સર્જાયેલો રાજકીય શૂન્યાવકાશ શિંદેએ ભરી દીધો હતો અને થાણે ઉપરાંત કલ્યાણ-ડોંબિવલી, ઉલ્લાહસનગર, અંબરનાથ સહિતની પાલિકાઓ, ધારાસભા અને લોકસભામાં પણ શિવસેનાનો ઝંડો લહેરાવવામાં સફળતા મેળવી હતી. 


શિવસેના તરફથી તેઓ વિધાનસભામાં સંસદીય દળના નેતા રહી ચૂક્યા છે. અગાઉ એનસીપી અને કોંગ્રેસની યુતિ સરકાર વખતે તેઓ વિપક્ષી નેતા તરીકે પણ કામગીરી બજાવી ચૂક્યા છે. કુશળ સંગઠનકર્તા અને  માસ મોબીલાઈઝર તરીકેની તેમની છાપ છે.  જોકે, કેટલાય સમયથી શિવસેનાના બીજા કેટલાય નેતાઓની જેમ એકનાથ શિંદેને પોતાને સાઈડલાઈન કરી દેવાયા હોવાનું લાગતું હતું. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિકટવર્તી લોકોની ટીમ બદલાઈ ગઈ હતી અને તેમાંથી કેટલાક જૂના નેતાઓ દૂર થઈ ગયા હતા. એનસીપીનું ઉપરીપણું પણ આ નેતાઓને ખૂંચતું હતું. હિંદુત્વની આઇડિયોલોજી સાથે સંકળાયેલા નેતાઓને શિવસેનાનો નવો ઠંડો અવતાર ખાસ રાસ આવતો ન હતો.