કેનેડામાં મંકીપોકસના ૬૮૧ કેસની પૃષ્ટી, તંત્ર હરકતમાં

July 30, 2022

  • વાયરસને પ્રસરતો અટકાવવા આવશ્યક તમામ પગલા લેવાશે : દર્દીઓ સાથે સીધો સંપર્ક નહીં સાધવા આમજનતાને અપીલ

ટોરોન્ટો: કેનેડાએ મંકીપોકસના ૬૮૧ કેસની પૂષ્ટી કર્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ શનિવારે વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી હતી. કેનેડાના જાહેર આરોગ્ય વિભાગના નિવેદન મુજબ કેસોની સંખ્યામાં વધારો થવાની શકયતાઓ છે. આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય, પ્રાંતિય અને વિભાગીય આરોગ્ય સંસ્થાઓ સાથે મળીને આ વૈશ્વિક સ્થિતિનું આકલન કરી મંકીપોકસના વાયરસને કેનેડામાં વધુ પ્રસરતા અટકાવવો પડશે, એમ પણ જણાવવામાં આવ્યું હતું. 
વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, કેનેડા હુ અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સંપર્કમાં રહીને મંકીપોકસના પ્રસારને અટકાવવા પ્રયાસ કરશે. આ મહિનાની શરૂઆતથી કેનેડામાં આજ સુધીમાં કસોનું પ્રમાણ બમણું થયું છે. પહેલો કેસ સાસ્કેચવાનમાં નોંધાયો હતો. જે મહિલા દર્દીનો હતો. હેલ્થ કેનેડાએ ૭૦૦૦૦થી વધુ ઈમવેમ્યુનના ડોઝ આપ્યા હતા, જે મંકીપોકસ સામેની પ્રતિકાર શકિત વધારવામાં ઉપયોગી એવી માન્ય રસી છે. જેનું વિતરણ અસરગ્રસ્ત પ્રાંતોમાં ફેડરલ સરકારે કર્યું હતું. આ ઉપરાંત મંકીપોકસના દર્દી સાથે સીધા સંપર્કમાં નહીં આવવાની સુચના પણ લોકોને આપી હતી. આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા અને ઈન્ફેકશનથી બચવા પણ જણાવ્યું હતું.  ર૧મી જુલાઈએ સરકારે જાહેરાત કરી હતી કે, વાયરસના પ્રભાવિત વિસ્તારોમાં કામ કરી રહેલી સામાજિક સંસ્થાઓને આર્થિક સહાય કરાશે.મંકી પોકસનો ફેલાવો વધતા જ કેનેડા સરકારે તમામ પ્રાંતોને મંકીપોકસના પ્રસારને અટકાવવા શ્રેષ્ઠ કામગીરી કરવા તૈયાર રહેવા તાકીદ કરી છે. આરોગ્ય વિભાગે રોગ વિશેની તાજી જાણકારી લોકોને નિયમિત રીતે આપવાની ખાતરી આપી છે.

સેકસ માણતી વખતે તકેદારી રાખવા અારોગ્ય વિભાગ દ્વારા ખાસ તાકીદ
આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, તેમણે કેનેડીયનોને સુરક્ષિત સેકસ માણવા અને તે સમયે પુરતી તકેદારી રાખવાની સલાહ પણ આપી હતી. વાયરસના પ્રસારનો અભ્યાસ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે કેટલાક સેકસ પાર્ટનરોમાં રોગના લક્ષણો ન હોય તો પણ ચેપ લાગવાનો ખતરો રહે છે.