કર્ફ્યૂગ્રસ્ત અમદાવાદમાં કર્ફ્યૂ ભંગના 117 ગુના નોંધાયા, 130 લોકોની અટકાયત કરાઈ

November 21, 2020

અમદાવાદ  : શહેરમાં ગઈકાલે શુક્રવારે રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે, ત્યારે આજે કર્ફ્યૂની પ્રથમ સવારે શહેરના રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું હતું. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામમાત્ર જણાતી હતી.જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી. કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી છે. શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે. પોલીસ દ્વારા કર્ફ્યૂના જાહેરનામા ભંગ બદલ કુલ 117 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે અને 130 લોકોની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ DCP-ACP, PI સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કર્ફ્યૂનો કડક અમલ કરાવી રહ્યા છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તાર પેટ્રોલિંગ કરી અને લોકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. ઉપરાંત શહેરના જેટલા પણ એન્ટ્રી પોઈન્ટ છે એના પર પોલીસબંદોબસ્ત અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બહારથી આવતી ગાડીઓને ચેક કરી પૂછપરછ કરી અંદર આવવા દેવામાં આવી રહી છે.

જીવનજરૂરી વસ્તુઓ, જેમ કે દૂધ, દવાની દુકાન, મ્યુનિસિપલ સર્વિસ, પેટ્રોલ અને ગેસ સ્ટેશન, ફાર્મા કંપનીઓ, ઈલેક્ટ્રિક અને પાણી સપ્લાઇ કરનાર અને તેની સાથે સંકળાયેલા લોકોને નિયત આઈડી કાર્ડ કે ડોક્યુમેન્ટ્સ જોઇ જવા દેવાશે.

અમદાવાદ રેલવે સ્ટેશન અને અમદાવાદ એરપોર્ટ પર આવતા-જતા પ્રવાસીઓને નિયત ટિકિટ અને આઈડી પ્રૂફ બતાવ્યા બાદ કર્ફ્યૂના બે દિવસમાં અમદાવાદ શહેરમાં પ્રવેશ અને પ્રસ્થાન કરવા દેવાશે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉતરનારા મુસાફરો માટે ખાસ સિટી બસની વ્યવસ્થા પણ કરાઈ છે.