જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો

February 23, 2021

જામનગર : આજે સમસ્યાઓનો તો નહીં, પણ ચૂંટણી પરિણામના ઈંતજારનો અંત આવશે. પોસ્ટલ બેલેટ બાદ ઈવીએમ મશીનમાં નોંધાયેલા મતોની ગણતરી શરુ ગઇ છે. જામનગરના 236 ઉમેદવારોમાં કોણ જીત્યું, કોણ હાર્યું અને કોને કેટલા મતો મળ્યા તે પરિણામ બપોર સુધીમાં જાહેર થશે. જામનગરમાં એક જ બિલ્ડીંગના ચાર ખંડમાં મતગણતરી યોજાઈ છે. દરેક બેઠકમાં ચાર ચાર બેઠક હોય છે. ગણત્રી સ્થળોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે.

જામનગરમાં 53.38 ટકા એટલે કે ઓછુ મતદાન થયું હોય હારજીતનો નિર્ણય મોટાભાગની બેઠકો પર પાંખી સરસાઈથી થવાની શક્યતા છે. તો પ્રથમવાર જામનગરની 64માંથી 48 બેઠકો પર ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીમાં કેટલા જીતે છે અથવા ક્યા ઉમેદવારના કેટલા મત કાપે છે તે પણ નક્કી થશે.

જામનગરમાં ઈન્દિરા માર્ગ પર હરિયા કોલેજ એક જ સ્થળે ગણત્રી થશે. જેમાં (1) પહેલા માળે વોર્ડ નં.1થી 4 (2) ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ નં.5થી 8 (3) પહેલા માળે વોર્ડ નં.9થી 12 અને (4) બીજા માળે વોર્ડ નં.13થી 16 એમ એક સ્થળે ચાર-ચાર વોર્ડની ગણત્રી થશે.

એક વોર્ડની મતગણત્રી કરતા સામાન્ય રીતે એક કલાકનો સમય લાગતો હોય છે. શરુઆતની એક કલાક પોસ્ટલ બેલેટ વગેરેમાં જાય તો આશરે 11 વાગ્યે જામનગરમાં પ્રથમ વોર્ડ નં.1, 5, 9 અને 13નું પરિણામ જાહેર થશે. સંભવત: બપોરે 2 સુધીમાં કોની સત્તા આવી તે અને તમામ બેઠકોનું પરિણામ જાહેર થઈ જવાની શક્યતા છે.

આમ, આવતીકાલ પછીના પાંચ વર્ષ લોકોને મોંઘવારીથી સુખચૈન મળશે કે કેમ તે નક્કી નથી પણ જીતેલા નેતાઓને સત્તાનો સ્વાદ ચાખવા મળશે. આ વખતે પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને કોણ જીત્યું, હાર્યું તે જાહેર થયા પછી જિલ્લા અને તાલુકા પંચાયતની તા.28ને રવિવારે ચૂંટણી યોજાશે. જેની મતગણત્રી તા. 2 માર્ચે થશે.