સુરતમાં પ્રેમીએ બે બાળકોની નજર સામે જ માતા પર એસિડ એટેક કર્યો

May 16, 2020

સુરતમાં લોકડાઉન દરમિયાન ઘરમાં ઘૂસીને પ્રેમીએ બે બાળકોની માતા ઉપર એસિડ એટેક કર્યો હતો. બાદમાં પ્રેમીએ યુવતીની માતાને ફોન કરી એસિડ પી લીધું હોવાની કેફિયત રજૂ કરી હતી. હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે ફરાર પ્રેમીની શોધખોળ શરૂ કરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં સત્યનગરમાં 28 વર્ષીય પરિણીતા પોતાના બે બાળકો સાથે માતાના ઘરે રહે છે. અને સિવણ ક્લાસનું કામ કરે છે. પતિ સાથે ઝઘડાને કારણે તે છૂટાછેડા લેવાની હતી. જેથી બે વર્ષથી તે માતાના ઘરે જ રહેતી હતી. આ દરમિયાન પાસે રહેતાં જીજ્ઞેશ રાજુભાઇ રાઠોડ નામના યુવક સાથે પ્રેમ બંધાયો હતો. પણ આ પ્રેમ સંબંધનો અંજામ મહિલા માટે ભારે પડી ગયો હતો.

આજે યુવતીના ઘરે આવી જીજ્ઞેશે તેના પર એસિડ એટેક કર્યો હતો. જે બાદ તેણે યુવતીની માતાને ફોન કરીને કહ્યું હતું કે, તમારી દીકરીએ એસિડ પી લીધું છે જલ્દી ઘરે જાઉં નહિતર મરી જશે. એસિડ પીધાની જાણ થતાં જ માતા ઘરે પહોંચ્યા હતા. અને તેઓએ બાથરૂમમાં જોયું તો યુવતી પડી હતી. અને મોઢા તેમજ શરીરનાં ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

યુવતીના બાળકોએ પણ આક્ષેપ લગાવ્યો હતો કે, પ્રેમીએ જબરદસ્તી એસિડ પીવડાવ્યું હતું. જો કે સ્મીમેર હોસ્પિટલ બાદ યુવતીની હાલત ગંભીર રહેતાં તેને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી જીજ્ઞેશ હાલ ફરાર છે. અને લોકડાઉનના સમયમાં તે ટીઆરબીના જવાનોને ખાવાનું પહોંચાડવાનું કામ કરતો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર પ્રેમીની શોધખોળ હાથ ધરી છે.