ભાજપે દસ મહિનામાં કોંગ્રેસ પાસેથી બે રાજ્યો છીનવ્યા

March 21, 2020

નવી દિલ્હી : મ.પ્રદેશમાં આખરે કમલનાથે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપી દીધુ છે. જોકે મ. પ્રદેશમાંથી કોંગ્રેસની માત્ર સરકાર જ નથી ગઇ સાથે સાથે રાજ્યસભાની બેઠક પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જોકે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહની રાજ્યસભાની બેઠક સુરક્ષિત હોવાનું મનાઇ રહ્યું છે.

મ. પ્રદેશની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા, સુમેર સિંહ સોલંકી જ્યારે કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને ફુલસિંહ મેદાનમાં છે. કમલનાથ સરકાર જતા જ મ. પ્રદેશમાં કોંગ્રેસની બે બેઠકો જાય તેવી શક્યતાઓ છે. જ્યારે ભાજપ પોતાની બન્ને બેઠક બચાવવામાં સફળ રહી છે. કોંગ્રેસની પ્રથમ પ્રાથમિક્તા દિગ્વિજયસિંહ હોવાથી તેઓ જીતી જશે પણ ફુલસિંહની હારવાની શક્યતાઓ પુરી છે. 

બીજી તરફ કમલનાથે રાજીનામુ આપતા જ મ. પ્રદેશમાં હવે કોંગ્રેસની સરકાર નથી રહી. જોકે એવુ નથી માત્ર મ. પ્રદેશમાં જ ભાજપે આ રીતે સત્તા પોતાના હાથમાં લીધી છે. અગાઉ કર્ણાટકમાં પણ કોંગ્રેસના ભાજપે આ જ પ્રકારના હાલ કર્યા હતા. મે ૨૦૧૮માં કર્ણાટકમાં ચૂંટણી યોજાઇ હતી પણ કોઇને બહુમત નહોતી મળી, જેડીએસ અને કોંગ્રેસે ગઠબંધનથી સરકાર બનાવી હતી.

જોકે બાદમાં મ. પ્રદેશની જેમ કર્ણાટકમાં પણ ૧૭ ધારાસભ્યોએ બળવો કરી દીધો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને વિશ્વાસમત પ્રક્રિયા હાથ ધરતા જ સરકાર બહુમત સાબિત નહોતી કરી શકી. જે બાદ યેદિયુરપ્પાની આગેવાનીમાં કર્ણાટકમાં ભાજપની સરકાર બની હતી, કર્ણાટકની જેમ જ મ. પ્રદેશમાં ભાજપે ઓપરેશન લોટસ ચલાવ્યું હતું અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સાથ મળતા આખરે કોંગ્રેસે બીજુ રાજ્ય પણ ગુમાવ્યું હતું અને ભાજપે સત્તા છીનવી લીધી હતી.