twitter મસ્કના હાથમાં, જાહેર અભિવ્યક્તિના નવા યુગની આશા

April 30, 2022

ટ્વિટરે અંતે ટેસ્લાના ઇલોન મસ્ક સાથે સોદો કરી નાંખ્યો. છેલ્લાં કેટલાક સમયથી વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ મસ્ક ટ્વિટર ખરીદવાની મથામણ કરી રહ્યા હતા. પણ ટ્વિટરનું બોર્ડ તેમને મચક આપતું નહોતું. ૧૪ એપ્રિલે મસ્કે શેરદીઠ ૫૪.૨૦ ડોલરના ભાવે ૪૪ અબજ ડોલરમાં ટ્વિટર ખરીદવાની ઓફર આપી તે પછી ટ્વિટરને મસ્કના હાથમાં જતું રોકવા ટ્વિટરનું બોર્ડ એકદમ આક્રમક બની ગયુ. આ બોર્ડે ટ્વિટરનું સંચાલન મસ્કના હાથમાં નહીં જાય તે માટે અનેક પ્રયાસો પણ કરી જોયા. શેરહોલ્ડરો ‘પોઈઝન પિલ’ વિકલ્પ અપનાવીને મસ્કની મથામણને નિષ્ફળ બનાવે એ દાવ પણ બોર્ડે ખેલ્યો હતો.
દરમિયાન સોમવારે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મસ્કની જે ઓફરને પહેલાં ફગાવી દીધી હતી એ જ ઓફરને સ્વીકારી લીધી. બોર્ડની બેઠક બાદ કંપની મસ્કને વેચવાના નિર્ણયની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઈ. જે બાદ તરત જ મસ્કને કંપની સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ. હવે પ્રક્રિયા પૂરી થતાં આઠેક મહિના લાગશે. એ પછી ટ્વિટર મસ્કની માલિકીની કંપની બની જશે. કોર્પોરેટ ભાષામાં કહીએ તો પ્રાઈવેટલી હેલ્ડ કંપની બની જશે. 
મસ્કના નામથી જ ભડકતા ટ્વિટરના ડિરેક્ટર્સ અચાનક જ કેમ મસ્કને શરણે થઈ ગયા એ સવાલ હવે દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે. આ સાથે જ મસ્કને ટ્વિટર ખરીદવામાં રસ કેમ પડ્યો તે વિશે પણ દુનિયામિાં અટકળો ચાલી રહી છે. મસ્કની ગણના આક્રમક બિઝનેસમેન તરીકે થાય છે પણ ટ્વિટર ખરીદવા માટે મસ્કની તાલાવેલીએ અનેક સંશયો ઉભા કર્યા છે. આમ તો ૨૦૧૭માં પહેલીવાર મસ્કે ટ્વિટર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ તેની વાતને કોઈએ ગંભીરતાથી લીધી નહોતી. મસ્ક એ વખતે ટ્વિટર ખરીદવા આટલા બધા ઉત્સાહિત પણ ન હતા. કિન્તુ ૨૦૨૨માં અચાનક જ તેમણે ટ્વિટરના શેર ખરીદવાની જીદ પકડી. જે બાદ તેમણે ધીરે ધીરે ૯ ટકા શેર પોતાના નામે કરી દીધા. 
મસ્ક પાસે ૯ ટકા શેર છે એ જાહેર થયું પછી મસ્કને ટ્વિટરના ડિરેક્ટર બનાવવાની તૈયારી પણ બોર્ડે બતાવી હતી. નિયમ પ્રમાણે ટ્વિટરના બોર્ડમાં હોય એ ૧૫ ટકાથી વધારે શેર ના રાખી શકે. મસ્કની ઈચ્છા ટ્વિટરના બોર્ડ સાથે જોડાવાની હોત તો તેણે આ ઓફર સ્વીકારી લીધી હોત. તેના બદલે મસ્કે કંપની ખરીદવાનું જ લક્ષ્ય રાખ્યું.  હવે એક ખોટ કરતી કંપનીને ખરીદવા મસ્ક કેમ જીદે ચઢ્યા તે સવાલ મહત્વનો છે. ૨૦૨૧માં ૨૨ કરોડ ડોલરની ખોટ કરી હોવા છતાં મસ્ક જેવા બિઝનેસમેને કેમ અધધ રકમ આપીને આ કંપની ખરીદી ?  મસ્કે ટ્વિટર સાથે સોદો નક્કી થયો પછી કરેલી ટ્વિટમાં ‘ફ્રી સ્પીચ’ની દુહાઈ આપી છે. મસ્કે એવો દાવો પણ કર્યો કે, પોતે ટ્વિટરની વિશ્વસનીયતા વધારશે. ઇલોન મસ્કે ૪૪ અબજ ડોલરમાં ટ્વિટર ખરીદી એ વાતનો આખી દુનિયામાં પ્રચાર થયો પણ ટ્વિટર વેચી કોણે તેની મોટાભાગનાં લોકોને ખબર નથી. ટ્વિટરના દરેક શેરદીઠ શેરહોલ્ડરોને ૫૪.૨૦ ડોલર મળશે એવી જાહેરાત કરાઈ પણ શેરહોલ્ડરો વતી કોણે નિર્ણય લીધો એ વિશે લોકો અજાણ છે. ટ્વિટર વેચવાનો નિર્ણય બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બહુમતી શેરહોલ્ડરો વતી લીધો છે. ટ્વિટર પબ્લિક લિમિટેડ કંપની હતી. ૨૦૧૩માં તેનો આઈપીઓ આવ્યો હતો. છેલ્લાં ૯ વર્ષમાં ટ્વિટરની શેરહોલ્ડિંગ પેટર્નમાં બહુ ફેરફાર થયા છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે એલન મસ્ક ૯ ટકા શેર સાથે મોટા શેરહોલ્ડર હતા. બાકી રહેલા શેરમાંથી મોટાભાગના નાના રોકાણકારો પાસે છે જ્યારે ચાલીસેક ટકા ઈન્સ્ટિટયુશનલ રોકાણકારો પાસે છે.  આ પૈકી સૌથી વધારે ૧૦.૩ ટકા શેર વેનગાર્ડ ગ્રુપ પાસે છે. વેનગાર્ડ વિશ્વમાં સૌથી મોટી ઈન્વેસ્ટમેન્ટ મેનેજર કંપનીમાંથી એક છે. ઈન્વેસ્ટમેન્ટ બેંકર અને એસેટ મેનેજર મોર્ગન સ્ટેનલી પાસે ૮.૪ ટકા, ઈન્વેસ્ટમેન્ટ મેનેજર બ્લેકરોક ઈન્કોર્પોરેશન પાસે ૬.૫૦ ટકા અને સ્ટેટ સ્ટ્રીટ કોર્પોરેશન પાસે પણ ૪.૫ ટકા શેર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્વતંત્ર ડિરેક્ટર્સ છે કે જેમણે મોટા શેરહોલ્ડર્સ સાથે ચર્ચા કર્યા પછી મસ્કને કંપની વેચવાનો નિર્ણય લીધો.
ટ્વિટર પર બોટ્સ એટલે કે રોબોટિક પ્લેયર દ્વારા અનેક ખોટાં એકાઉન્ટ ચલાવાય છે કે જેના વડે પ્રોપેગેન્ડા ચલાવાય છે, ખોટી માહિતી ફેલાવાય છે. આ બધું હટાવીને ટ્વિટરને એકદમ ઓથેન્ટિક બનાવવાની નેમ પણ મસ્ક રાખી રહ્યા છે. જો કે એનાલિસ્ટ્સના મતે, મસ્ક અત્યારે ભલે ડાહી ડાહી વાતો કરતો પણ મસ્કને મૂળ રસ ટ્વિટરના પાવરમાં છે. ટ્વિટર વિશ્વમાં સૌથી વધારે યુઝર્સ ધરાવતું સોશિયલ મીડિયા નથી પણ સૌથી તાકતવર ચોકક્સ છે.
ટ્વિટરના ૨૨ કરોડ સક્રિય યુઝર્સ સામે બીજાં સોશિયલ મીડિયા પાસે અનેક ગણા વધારે એક્ટિવ યુઝર્સ છે. પરંતુ ટ્વિટરની તાકાત તેના સક્રિય યુઝર્સનો એક વર્ગ છે. દુનિયામાં સૌથી પાવરફુલ મનાતા લોકો ટ્વિટર પર છે. મસ્ક બિઝનેસમેન છે અને તેની મહત્વાકાંક્ષાઓ બહુ મોટી છે. મસ્ક ટ્વિટરનો ઉપયોગ પોતાની મહત્વાકાંક્ષાઓને પાર પાડવા કરે તો નવાઈ નહીં. મસ્ક ટ્વિટર પર વરસોથી સક્રિય છે અને વિવાદાસ્પદ કોમેન્ટ્સ કર્યા કરે છે. તેના કારણે સતત વિવાદો ઉભા થાય છે. મસ્ક તર્કસંગત ના હોય એવી અને અવૈજ્ઞાનિક ટ્વિટ્સ માટે કુખ્યાત છે. કોવિડની મહામારી વેળા મસ્કની ટ્વિટ્સના કારણે તેની સામે ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ થયો હતો. ક્રીપ્ટોકરન્સી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતના મુદ્દે પણ તથ્ય વિનાની વાતો કરીને મસ્ક વિવાદોમાં ફસાયા હતા. આખરે તેની ટ્વિટ્સ 
હટાવાઈ છે. 
મસ્કે આ વાતને દિલ પર લઈ લીધી છે તેથી ફ્રી સ્પીચની દુહાઈ આપ્યા કરે છે એવું પણ મનાય છે.  મસ્ક ફ્રી સ્પીચની વાત કરે છે પણ અત્યારે પણ ટ્વિટર પર મુક્ત રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની છૂટ છે જ. ટ્વિટર પોતાના યુઝર્સને જે લખવું હોય એ લખવાની છૂટ આપે છે અને કોઈને રોકતું નથી. ગમે તેવો ચમરબંધી હોય પણ ટ્વિટરની ગાઈડલાઈનને ના અનુસરે તો તેને બ્લોક કરી દેતાં પણ ટ્વિટર વિચારતું નથી.  આ જ તેની તાકાત પણ છે. ટ્વિટરે જેમને પ્રતિબંધિત કર્યા એવાં મોટાં માથાંના ઈશારે મસ્કે ટ્વિટર ખરીદી હોવાની વાત પણ ચર્ચામાં છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના ઘણા દિગ્ગજો આ યાદીમાં આવે છે. ટ્વિટર તેમના પરનો પ્રતિબંધ હટાવવા તૈયાર નહોતું તેથી તેમણે મસ્કને ખરીદીને ટ્વિટર જ ખરીદી લીધી. ખેર વાત ભલે ગમે તે હોય ટ્વિટર મસ્કના હાથમાં જશે પછી નવો યુગ શરૂ થશે. આ યુગ ફ્રી સ્પીચનો હશે કે પછી મસ્કની મરજી પ્રમાણે ટ્વિટરના સંચાલનનો હશે એ હવે મહત્વનું છે.