રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં 1108 પોઝિટિવ, 24 દર્દીઓનાં મોત

July 28, 2020

ગાંધીનગર : રાજ્યમાં ફરી એકવખત કોરોના કેસની સંખ્યા 1100ને પાર થઇ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1108 કેસ નોંધાયા છે. તો કુલ 24 દર્દીઓના મોત થયા છે. જેમાં સુરતમાં 12, અમદાવાદમાં 4, વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2372 થઇ ચૂક્યો છે. તો હાલમાં 87 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.


તો છેલ્લા 24 કલાકમાં કુલ 1032 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 42 હજાર 412 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 293..અમદાવાદમાં 156 કેસ, વડોદરામાં 91 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે.


સુરતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ બાદ હવે સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 293 નવા કોરોનાના કેસ નોંધાયા છે.

જેમાં સુરત કોર્પોરેશનમાં 199 અને સુરત જિલ્લામાં 94 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં કોરોનાનો કુલ આંકડો 12,223 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 148 દર્દીઓ સ્વસ્થ થયા છે.

જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 8,301 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 381 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં હાલ 3440 એક્ટિવ કેસ છે.


છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 156 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 147 અને અમદાવાદ જિલ્લામાં 9 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 26,032 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં આજે 166 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 21,016 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 4 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1585 પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3431 એક્ટિવ કેસ છે. 
અમદાવાદ મહાનગરપાલિકા બોર્ડના 16 શિક્ષકો કોરોનાથી સંક્રમિત થયા છે. બોર્ડના કુલ 629 શિક્ષકોનું રેપિડ એન્ટીજન કીટ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

જે પૈકી 16 શિક્ષકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે આ શિક્ષકોને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી. જે દરમ્યાન તેમને કોરોનાનો ચેપ લાગ્યો છે.

આજે સુરત કોર્પોરેશન ૭, સુરત ૫, અમદાવાદ કોર્પોરેશન ૪, ભાવનગર કોર્પોરેશન ૨, રાજકોટ ૨, ગાંધીનગર ૧, જામનગર ૧, જામનગર કોર્પોરેશન ૧, વડોદરા કોર્પોરેશન ૧ દર્દીનું કોરોનાને કારણે મોત નિપજ્યું હતું. રાજ્યમાં અત્યાર સુધી 2372 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.

રાજ્યમાં હાલ 13198 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેલ્ટીલેટર પર છે અને 13111 દર્દીઓ સ્ટેબલ છે, જ્યારે અત્યાર સુધી કુલ 42412 દર્દીઓ સારવાર બાદ ડિસ્ચાર્જ થઈ ગયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6,90,092 ટેસ્ટ કરવામાં આવ્યા છે.