વડોદરામાં છેલ્લા પાંચ દિવસમાં 15 કોરોના પોઝિટિવ દર્દીઓ જીંદગીનો જંગ હાર્યા

May 18, 2020

વડોદરા- વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના સીલસીલાને રોકવામાં તંત્ર નિષ્ફળ જઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે કેમ કે પાછલા કેટલાક દિવસોથી રોજના સરેરાશ ૩ દર્દીઓના મોત નોંધાઇ રહ્યા છે. આજે પણ કાલુપુરા વિસ્તારના સિંગચણાના એક વેપારી ઉપરાંત વાડી વિસ્તારના બે વૃધ્ધો મળીને ૩ કોરોના પોઝિટિવ દર્દીઓના મોત થયા હતા.


કાલુપુરા મેઇન રોડ પર સિંગચણાની દુકાન ધરાવતા અને દુકાનની ઉપર જ પત્ની, પુત્ર અને પુત્રી સાથે રહેતા ૫૪ વર્ષના હરીશભાઇ કનોજીયાને ગત તા.૧૦મી મે રવિવારે કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયુ હતુ તેમને શુક્રવારે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમના ભત્રીજા દક્ષેશ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે કાકાને દાખલ કર્યા તેના ત્રણ દિવસ પહેલા છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. શુક્રવારે સવારે તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાં બ્લડ રિપોર્ટ કરાવતા તે નોર્મલ આવતા ત્યાના ડોક્ટરે કાકાને ગોત્રી હોસ્પિટલ લઇ જવા કહ્યું હતું એટલે અમે તેમને ગોત્રી હોસ્પિટલ લઇ ગયા હતા. આજે સવારે તેમનું મોત થયુ હતું. તેમને અન્ય કોઇ બીમારી નહતી. કાકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્ની, પુત્ર અને પુત્રી ઉપરાંત નીચેના માળે રહેતા તેમના ભાઇ, ભાભી અને પુત્ર મળીને ૬ જણનો રિપોર્ટ લીધા હતા પણ તે નેગેટિવ આવ્યા હતા. 

આ ઉપરાંત વાડી સ્વામિનારાયણ મંદિર રોડ ઉપર રહેતા મહંમદ યુસુફ ગુલામ હુસૈન કાગદી (ઉ.૭૫)ને ત્રણ દિવસ પહેલા તા.૧૪ મે ગુરૃવારે કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયુ હતુ તેમને બ્લડ પ્રેશરની બિમારી હતી અને કોરોનાનું સેમ્પલ લીધુ તેના એક સપ્તાહ પહેલા તેમને તાવ આવ્યો હતો અને તબિયત ખરાબ થતા ગોત્રી હોસ્પિટલ લઇ જવાયા હતા. આજે બપોરે તેમનું મોત થયુ હતું. જ્યારે કાલે જ એટલે કે શનિવારે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ વાડી મોટી મસ્જિદ પાસે રહેતા ૭૫ વર્ષના સાલેમીયા મુલ્લા ખાનગી હોસ્પિટમાં દાખલ હતા. તેઓ હાઇ બ્લડ પ્રેશરની બિમારીથી પિડાતા હતા અને શુક્રવારે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં આજે તેમનું મોત થયુ હતું.