ભારતીય સેનાના નામથી આતંકવાદીઓનો છૂટી રહ્યો છે પરસેવો, લૉન્ચ પેડ્સ છોડીને ભાગ્યા

March 02, 2021

ભારતીય સુરક્ષાબળો તરફથી ઘૂસણખોરો અને આતંકવાદીઓની વિરુદ્ધ સખ્ત વલણ અપનાવવાની અસર લાઇન ઑફ કંટ્રોલ પાર પણ જોવા મળી રહી છે. આતંકવાદીઓમાં ભારતીય સેનાનો એટલો ખોફ છે કે તેઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે લૉન્ચ પેડ્સ પર આવવાથી ડરવા લાગ્યા છે. આવામાં પાકિસ્તાની ખુફિયા એજન્સી ISI માટે આતંકવાદીઓને ઘૂસણખોરી માટે મોકલવા મુશ્કેલ થઈ રહ્યું છે.


સુરક્ષાદળોના એક રિપોર્ટથી એ વાતનો ખુલાસો થયો છે કે સરહદ પાર લૉન્ચ પેડ્સ પર નવા વર્ષમાં આતંકવાદીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સૂત્રો પ્રમાણે લૉન્ચ પેડ્સ પર ફક્ત 108 આતંકવાદી જાન્યુઆરીના મહિનામાં જોવા મળ્યા છે. જમ્મુ બૉર્ડરની સામે પાકિસ્તાન તરફ 103 અને કાશ્મીર ખીણમાં સક્રિય લૉન્ચ પેડ પર ફક્ત 5 આતંકવાદી હાજર છે. ભારતીય ખૂફિયા સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેના અને બૉર્ડર સિક્યુરિટી ફૉર્સ (BSF)એ જે મોટા સ્તર પર આતંકવાદીઓની વિરુદ્ધ ગત મહિનાઓમાં ઑપરેશન શરૂ કર્યું, તેનાથી પાકિસ્તાનની સેના અને ISIની ઊંઘ ઉડી ગઈ છે.


આનું સૌથી મોટું કારણ છે કે આતંકવાદીઓમાં ભારતીય સુરક્ષાદળોની કાર્યવાહીનો એટલો ખોફ છે કે તેઓ લૉન્ચ પેડ્સનું નામ સાંભળવાથી પણ દૂર ભાગી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે કાશ્મીર ખીણમાં તંગધાર સેક્ટરની સામે લશ્કર અને જૈશના ફક્ત 5 આતંકવાદી ઉપસ્થિત છે. તેમને લુમ્બિરાન લૉન્ચ પેડ પર ભેગા કરવામાં આવ્યા છે, પરંતુ તેઓ ત્યાંથી પણ ભાગવાની ફિરાકમાં છે. કાશ્મીરની તુલનામાં જમ્મુ સેક્ટરમાં સરહદ પાર આતંકવાદીઓની સંખ્યા વધારે છે. જમ્મુ સેક્ટરમાં પુંછ, કૃષ્ણા ઘાટી, બિમ્બર ગલી, નૌશેરા, સુંદરબની, હીરાનગર, અખનૂર અને અરનિયા સેક્ટરની સામે આવેલા લૉન્ચ પેડ્સ પર આ આતંકવાદી એકત્ર છે.


સંરક્ષણ જાણકારોનું માને છે કે કાશ્મીર ખીણમાં જે રીતે સુરક્ષાદળોએ આતંકવાદીઓની કમર તોડી છે તેવામાં સરહદ પારથી આતંકવાદી જમ્મુના રસ્તેથી ઘૂસણખોરીની ફિરાકમાં છે. જો કે અહીં પણ આતંકવાદીઓની સંખ્યા ઓછી કહેવામાં આવી રહી છે. પુંછ સેક્ટરની સામેના 5 લૉન્ચ પેડ્સ પર જાન્યુઆરી મહિનામાં ફક્ત 21 આતંકવાદી હતા. ગત વર્ષે ડિસેમ્બરમાં આ જગ્યાએ લૉન્ચ પેડ પર 29 આતંકવાદી હાજર હતા. તો ગત વર્ષે જાન્યુઆરીમાં અહીં 71 આતંકવાદીઓ હતા.