ઓન્ટેરિયોમાં કોવિડના વધતા જતા દર્દીઓને પગલે સેનાની ત્રણ મેડિકલ ટીમો તૈનાત કરાશે

May 01, 2021

  • સોલીસીટર જનરલ સિલ્વીયા જોન્સે નર્સો અને અન્ય તબીબીની અછત નિવારવા માંગ કરી હતી
  • સરકારના આદેશ બાદ અનેક સંગઠનો સેવા કાર્યોમાં જોતરાયા

ટોરોન્ટો : ઓન્ટેરિયો પ્રાંતની વિનંતીને પગલે કેનેડીયન સશસ્ત્રદળ પોતાની ત્રણ મેડીકલ ટીમોને ઓન્ટેરિયોની હોસ્પિટલમાં મદદ માટે મોકલશે, એવી જાહેરાત ફેડરલ સરકારે મંગળવારે સાંજે કરી હતી.
અખબારી યાદીમાં જણાવાયું હતું કે, ઓન્ટેરિયોના સોલીસીટર જનરલ સિલ્વીયા જોન્સે આ અગાઉ ઈન્ટેન્સીવ કેર યુનિટ માટેની નિષ્ણાંત નર્સો અને અન્ય તબીબી કર્મચારીઓની માંગણી કરી હતી. તેને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે. 
યાદીમાં પબ્લીક સેફટી એન્ડ ઈમરજન્સી પ્રીપેરેડન્સીસ મિનીસ્ટર બિલ બ્લેરે કહ્યુંં હતું કે, સેના પોતાની મલ્ટી પર્પઝ મેડીકલ આસિસ્ટન્સ ટીમો ઓન્ટેરિયોની હોસ્પિટલમાં તૈનાત કરી શકે છે. જેમાં નર્િંસગ ઓફિસર્સ, મેડીકલ ટેકનીશીયન્સ અને અન્ય કેનેડીયન દળોનો સમાવેશ થશે. ફેડરલ સરકારે જણાવ્યું હતું કે, આ ટીમો રોટેટ થતી રહેશે. જે પ્રાંતોમાં ફરતી રહેશે અને સીએએફને મદદરૂપ થશે. બ્લેરે કહ્યુંં હતું કે, અમે કેનેડાના તમામ પ્રાંત અને વિસ્તારોમાં કોવિડ-૧૯ સામેની લડાઈમાં મદદ કરવા હંમેશા તૈયાર છીએ. 
આ એક સહિયારો પ્રયાસ છે. જેમાં કેનેડાના સશસ્ત્રદળો, કેનેડીયન રેડ ક્રોસ અને આરોગ્ય વ્યવસાયીઓનો પુરો સહકાર મળી રહ્યો છે. આવી કટોકટીના સમયમાં ઘણાં સંગઠનો સરકારના આદેશના પાલન માટે આગળ આવીને મદદ કરી રહ્યા છે. દરેક કેનેડીયનને સુરક્ષિત રાખવાની અમારી જવાબદારી છે. એટલે તબીબી સેવાઓ માટે પણ સૈન્યની તબીબી ટીમોની મદદ લેવામાં આવી રહી છે. 
ઓન્ટેરિયોની સરકારે આવી માંગણી કર્યાના ગણતરીના કલાકોમાં ફેડરલ સરકારે આ નિર્ણય લીધો હતો. જેમાં કેનેડાના સશસ્ત્રદળો અને કેનેડીયન રેડક્રોસ જેવી સંસ્થાઓ સહભાગી થઈ રહી છે. દસ દિવસ પહેલા જ ઓન્ટેરિયોએ ફેડરલ સરકાર પાસેથી વેકસીનનો પુરતો જથ્થો મેળવવા વિનંતી કરી હતી.