ટોરોન્ટોમાં બરફ પડવાની શક્યતા વધી : હવામાન ખાતાની આગાહી

October 11, 2021

  • 24 અને 31 ઓકટોબરથી અસર વર્તાવવાની સંભાવના
ટોરોન્ટો : ટોરોન્ટોના રહેવાસીઓ ફરી એક વખત તેના શહેરમાં પહેલી વખત બરફ પડવાની રાહ જોઈ રહ્યા છે અને તેને માટે તૈયારી કરી રહ્યા છે. ગયા વર્ષે પણ નવેમ્બરની પહેલી તારીખે મોસમની પહેલી બરફ વર્ષા થઇ હતી. એવું લાગે છે કે, આ વર્ષે મોસમની પહેલી બરફવર્ષા 7મી નવેમ્બરના રોજ પડશે.
ઓલ્ડ ફાર્મર્સ ઍલમેનક તરફથી લાંબા સમય માટે હવામાનની આગાહી કરવામાં આવી છે તે મુજબ ટોરોન્ટોમાં છેલ્લા બે વર્ષ કરતા પહેલી બરફવર્ષા વહેલી થશે. લાંબા સમય માટે હવામાનની આગાહી કરનારાઓ જણાવે છે કે, દક્ષિણ ટોરોન્ટો અને તેની આજુ-બાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની, ભારે ઠંડી તથા બરફવર્ષાની શક્યતા જણાય છે.
જેની અસર 24 અને 31 ઓક્ટોબરના રોજ જણાશે. જોકે આ વિસ્તારમાં પહેલી બરફવર્ષા નહિ પરંતુ છૂટી છવાઈ બરફવર્ષા હશે તથા ઉષ્ણતામાનનો પારો ઊંચો રહેશે અને 20-30 નવેમ્બર પહેલા ઠંડી વધવાની શક્યતા દેખાતી નથી.
ખેડૂતો તરફથી કરવામાં આવતી હવામાનની આ આગાહીનો આધાર અને વલણ લાંબા સમયની ગણતરી ઉપર હોય છે જે વધુ ચોક્કસ આગાહી ગણાય છે. શિયાળામાં ઉષ્ણતામાનનો પારો સામાન્ય કરતા નીચો રહેશે તથા પૂર્વ અને પશ્ચિમમાં ઉષ્ણતામાનો પારો સામાન્ય કરતા થોડો વધુ ઊંચો રહશે. ડિસેમ્બરની મધ્યનો સમયગાળો વધુ ઠંડો રહેશે. ડિસેમ્બરના અંત તથા જાન્યુઆરીની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ વધશે એમ હવામાન એજેન્સી તરફથી જણાવવામાં આવ્યું છે.
બરફવર્ષા આ વખતે સામાન્ય કરતા વધુ હશે અને ચારે બાજુ બરફ છવાયેલો હોય તેવી સ્થિતિ ડિસેમ્બરના અંત અને જાન્યુઆરીની શરૂઆતમાં તથા માર્ચની મધ્યમાં જોવા મળશે. ગયા મહિને વેધર નેટવર્કે જે આગાહી જાહેર કરી છે, તે મુજબ કેનેડામાં ઉષ્ણતામાનનું પ્રમાણ સામાન્ય કરતા વધુ રહશે અને મોસમમાં વધુ બરફ પડશે. જો કે, આગાહી કરવા માટેની પદ્ધતિમાં આ વખતે પરિવર્તન કરવામાં આવ્યું છે. સૌથી વહેલી બરફવર્ષા અને ઓન્ટેરિયોમાં શિયાળાની મોસમ વધુ બરફ લાવશે તેને પરિણામે રજાના દિવસોમાં વધારો થશે તેવી સંભાવના પણ જોવાઈ રહી છે.