ભારતે ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને ૪-૩થી હરાવ્યું

April 08, 2021

બ્યૂનસ એર્સ: ભારતીય મેન્સ હોકી ટીમે આર્જેન્ટિના પ્રવાસની સકારાત્મક શરૂઆત કરીને ગયા વખતની ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ૪-૩ના સ્કોરથી હરાવ્યું હતું. ભારત માટે નિલાકાંત શર્માએ ૧૬મી મિનિટે, હરમનપ્રીતસિંહે ૨૮મી, રુપિન્દર પાલસિંહે ૩૩મી તથા વરુણકુમારે ૪૭મી મિનિટે ગોલ નોંધાવ્યા હતા. યજમાન આર્જેન્ટિના તરફથી ડ્રેગ ફ્લિકર લિએન્ડ્રો તોલિનીએ ૩૫મી અને ૫૩મી મિનિટે બે ગોલ તથા માસિયો કાસેલાએ ૪૧મી મિનિટે એક ગોલ કર્યો હતો. બંને ટીમોએ પ્રથમ ક્વાર્ટરમાં ધીમી રમતનું પ્રદર્શન કર્યું હતું અને બીજા હાફમાં આક્રમક રમત દાખવી હતી. શીલાનંદ લાકરાએ ભારત માટે પ્રથમ ગોલનો પાયો નાખ્યો હતો. તેના શાનદાર પાસિંગના કારણે સર્કલમાં રહેલા નિલાકાંતેએ આર્જેન્ટિનાના ગોલકીપરને અવઢવમાં મૂકીને ભારતને સરસાઇ અપાવી હતી.
આર્જેન્ટિનાએ આક્રમણ વધાર્યું હતું પરંતુ ભારતીય ગોલકીપર પીઆર શ્રાીજેશે તેના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. ૨૮મી મિનિટે મળેલા કોર્નરને ભારતે ગોલમાં ફેરવીને સ્કોર ૨-૦નો કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં યજમાન ટીમે વળતો પ્રહાર કર્યો હતો અને તોલિનીએ પેનલ્ટીને ગોલમાં ફેરવી હતી. તોલિનીએ ૫૩મી મિનિટે વધુ એક ગોલ કરીને સ્કોર ૩-૪નો કર્યો હતો, પરંતુ ત્યારબાદ ઓલિમ્પિક ચેમ્પિયન ટીમ ભારતની મજબૂત ડિફેન્સ હરોળ સામે વધારે ગોલ કરી શકી નહોતી. ભારતે ૧૬ દિવસના પ્રવાસ દરમિયાન આર્જેન્ટિના સામે કુલ છ મેચ રમવાની છે જેમાં ૧૧મી અને ૧૨મી એપ્રિલે એચઆઇએફ હોકી પ્રો-લીગનો પણ સમાવેશ થાય છે.