ભારત દુનિયાનો એકમાત્ર દેશ, જ્યાં 50 લાખ દર્દી સાજા થયા

September 28, 2020

નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણ અંગે સારા અને ખરાબ બન્ને સમાચાર મળી રહ્યા છે. સારા સમાચાર એ છે કે દેશમાં સંક્રમણથી સાજા થનારાનો આંકડો રવિવારે 50 લાખને પાર કરી ગયો છે. ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે, જ્યાં આટલા વધુ દર્દી સાજા થઈ ચુક્યા છે. દેશનો રિકવરી રેટ 82.74% થઈ ચુક્યો છે. એટલે કે હવે દર 100 દર્દીઓમાંથી 82 લોકો સાજા થઈ રહ્યા છે.

સાથે જ ખરાબ સમાચાર એ છે કે દેશમાં છેલ્લા 27 દિવસોથી એક હજારથી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. 31 ડિસેમ્બરે 816 દર્દીઓના મોત થયા હતા. ત્યારપછી એકથી 27 સપ્ટેમ્બર સુધી એક પણ દિવસ એવો નહોતો, જ્યારે મોત એક હજારથી ઓછા થયા હોય. સ્થિતિ એવી હતી કે દરરોજ સરેરાશ 1066 લોકોના મોત થઈ રહ્યા છે.આ દુનિયાના સૌથી સંક્રમિત દેશ અમેરિકા (895) અને બ્રાઝિલ (826)ની દરરોજની એવરેજથી વધુ છે.

આ સાથે જ દેશમાં અત્યાર સુધી 60 લાખ 73 હજાર 348 કેસ નોંધાઈ ચુક્યા છે. રવિવારે 74 હજાર 679 દર્દી સાજા પણ થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.
 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સોમવારે પોતાના આંકડા જાહેર કર્યા છે. છેલ્લા 24 કલાકમાં 82 હજાર 170 દર્દી વધ્યા અને 1039 લોકોના મોત થયા છે. આ સાથે જ દેશમાંથી સંક્રમિતોનો આંકડો 60 લાખ 74 હજાર 703 થઈ ગયો છે. જેમાં 9 લાખ 62 હજાર 640 એક્ટિવ દર્દી છે. સાથે જ 50 લાખ 16 હજાર 521 લોકો સાજા થઈ ગયા છે. તો આ તરફ દેશમાં અત્યાર સુધી 95 હજાર 542 લોકોના મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, રવિવારે 7 લાખ 9 હજાર 394 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ રીતે દેશમાં અત્યાર સુધી 7 કરોડ 19 લાખ 67 હજાર 230 સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે.