ટી-૨૦ : સુપર ઓવરમાં ભારતની ફરી રોચક જીત

February 01, 2020

નવીદિલ્હી : ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી ટી-૨૦ મેચ પણ ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં ભારતની જીત થઈ હતી. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં ૧૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે સુપર ઓવરમાં ૧૬ રન બનાવ્યા હતા. ત્રીજી ્૨૦ મેચ પણ ટાઈ થઈ હતી જેમાં પણ ભારતની જીત થઈ હતી. ન્યૂઝીલેન્ડ સાતમીવાર સુપર ઓવરમાં હાર્યું છે. આજની મેચમાં ૧૬૬ રનના વિજય લક્ષ્યાંક માટે મેદાનમાં ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ સાત વિકેટના નુકસાને ૧૬૫ રન બનાવી શકી હતી. એક દ્રષ્ટીએ જોતા જીતેલી મેચ ન્યૂઝીલેન્ડ હારી ગયું હતું. છેલ્લી બે ઓવરમાં મેચ પલટાઈ ગઈ હતી. છેલ્લી બે ઓવરમાં ન્યૂઝીલેન્ડે જીત માટે ૧૧ રનની જરૃર હતી, પણ તે ન બનાવી શકયું. છેલ્લી બે ઓવરમાં તેની ચાર વિકેટ પડી હતી. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ ટી-૨૦ મેચની સીરિઝમાં આજે ચોથી મેચ વેલિંગ્ટનના સ્કોય મેદાનમાં રમાઈ હતી. ભારતે ૨૦ ઓવરમાં આઠ વિકેટના નુકસાને ૧૬૫ રન બનાવ્યા હતા. મનિષ પાન્ડે જરૃરીયાતના સમયે સારી ઈનિંગ રમીને નોટ આઉટ રહ્યો હતો. તેણે ૩૬ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. મનિષ પાન્ડેએ બે વર્ષ પછી ટી૨૦માં અડધી સદી ફટકારી, આ તેના કેરિયરની ત્રીજી અડધી સદી છે. નવદીપે સેની ૧૧ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ૧૪ રન પર ભારતની પ્રથમ વિકેટ પડી હતી. સંજૂ સેમસન આઠ રન બનાવી આઉટ થયો હતો. ભારતની બીજી વિકેટ ૪૮ રને પડી હતી. વિરાટ કોહલી ૧૧ રન બનાવી આઉટ થયો હતો. ૫૩ રન પર ભારતની ત્રીજી વિકેટ પડી હતી. શ્રેયસ અય્યર ૧ રન બનાવી આઉટ થયો હતો. એક છેડે વિકેટો પડી રહી હતી અને બીજી તરફ તોફાની બેટિંગ કરી રાહુલ ભારતના સ્કોરને ૧૦ની રનરેટથી આગળ વધારી રહ્યો હતો. પરંતુ નવમી ઓવરમાં તે આઉટ થઈ ગયો હતો. ૭૫ રન પર ભારતની ચોથી વિકેટ પડી હતી. તેણે ૨૬ બોલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી ૩૯ રન બનાવ્યા હતા. શિવમ દૂબેના રૃપમાં ભારતની પાંચમી વિકેટ પડી હતી. તે ૯ બોલમાં ૧૨ રન બનાવી આઉટ થયો હતો. આજની મેચમાં તક આપવામાં આવનાર વોશિંગ્ટન સુંદર શૂન્ય રને આઉટ થયો હતો. ૮૮ રન પર ભારતની છઠ્ઠી વિકેટ પડી હતી. ૧૭મી ઓવરમાં ભારતની સાતમી વિકેટ પડી હતી. ૧૫ બોલમાં ૨૦ રન બનાવી શાર્દુલ ઠાકુર આઉટ થયો હતો. ૧૪૩ રન પર ભારતની આઠમી વિકેટ પડી હતી. ચહલ એક રન બનાવી આઉટ થયો હતો. ૧૬૬ રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ૨૨ રન પર ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી હતી. માર્ટિન ગુટ્પિલ ૪ રને આઉટ થયો હતો. ત્યાર બાદ કોલિન મુનરો અને ટિમ શિફર્ટ સારી બેટિંગ કરી ન્યૂઝીલેન્ડની ઈનિંગને આગળ વધારી હતી. ૧૨ ઓવરમાં ૯૬ રન પર ત્રીજી વિકેટ પડી હતી. મુનરો ૬૪ રન બનાવી આઉટ થયો હતો. ૯૭ રન પર જ ન્યૂઝીલેન્ડની ત્રીજી વિકેટ પડી હતી. ટોમ બ્રુસ શૂન્ય રને આઉટ થયો હતો.  કોલિન મુનરોએ ૪૭ બોલમાં ૬૪ રનની ઈનિંગ રમીને ન્યૂઝીલેન્ડને જીતની નજીક લાવી દીધું હતું. પરંતુ આજે પણ ન્યૂઝીલેન્ડ જીત મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. ૧૫૯ રનમાં તેની ચોથી, ૧૬૩ રનમાં પાંચમી, ૧૬૪ રનમાં છઠ્ઠી, ૧૬૫માં રનમાં સાતમી વિકેટ પડી હતી. છેલ્લી બે ઓવરમાં તેમને ૧૧ રનની જરૃર હતી પણ ન કરી શકયું. ઈજાના કારણે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન વિલિયમ્સન આજની મેચમાં નહતો રમ્યો. તેની જગ્યાએ ટિમ સાઉથીએ ટીમનું નેતૃત્વ કર્યું હતું. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. ભારતે ટીમમાં ત્રણ ફેરફાર કર્યા હતા, રોહિત, શમી, જાડેજા આજની મેચમાં આરામ આપી, તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદર, નવદીપ સેની અને સંજૂ સેમસનને તક અપાઈ હતી.