સ્વિટ્ઝર્લેન્ડમાં ફૂગાવો જૂનમાં ૧૯૯૩ બાદની ટોચ પર પહોંચ્યો

July 05, 2022

સ્વિટ્ઝર્લેન્ડ : કાળાનાણાં માટેનું સેફ હેવન ગણાતા સ્વિઝરલેન્ડમાં પણ મોંઘવારીએ માઝા મુકી છે. સમગ્ર વિશ્વ જ્યારે હાલ કોરોના બાદની ઝડપી રિકવરી બાદ મોંઘવારીનો સામનો કરી રહ્યું છે ત્યાં કાળા નાણાંના દેશ ગણાતા સ્વિઝરલેન્ડમાં પણ હવે મોંઘવારી ત્રાહિમામ પોકારી રહી છે. જૂન મહિનાના આધિકારીક આંકડા અનુસાર સ્વિઝરલેન્ડમાં ફુગાવાનો દર જૂન, ૨૦૨૨ના મહિનામાં ૧૯૯૩ બાદની ટોચે પહોંચ્યો છે.
રિપોર્ટ અનુસાર સ્વિટ્ઝર્લેન્ડનો વાર્ષિક મોંઘવારી દર જૂન મહિનામાં વધીને ૩.૪% થયો છે જે છેલ્લા ૨૯ વર્ષનો સૌથી હાઈએસ્ટ છે. મોંઘવારી રેકોર્ડ સ્તરે પહોંચવાની આશંકાએ જ સ્વિઝરલેન્ડની સેન્ટ્રલ બેંક જેને આપણે સ્વિસ બેંકના નામે ઓળખીએ છીએ, તેણે  અગાઉથી જ વ્યાજદરમાં વધારો કરવાનું શરૂ કર્યું હતુ. ૧૬મી જૂનની મોનિટરી પોલિસી બેઠકમાં સ્વિઝરલેન્ડની સેન્ટ્રલ બેંક, સ્વીસ નેશનલ બેંક(એસએનબી)એ બેંચમાર્ક વ્યાજદરમાં ૧૫ વર્ષમાં પ્રથમ વખત વધારો કર્યો હતો. દેશમાં વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવા માટે સેન્ટ્રલ બેંકે મોનિટરી પોલિસીને કડક બનાવવાનો નિર્ણય કર્યો હતો. સેન્ટ્રલ બેંકે પોલિસી રેટ વધારીને -૦.૭૫%થી વધારીને -૦.૨૫% કર્યો હતો. ૨૦૧૫ બાદ વ્યાજદરમાં આ પ્રથમ ફેરફાર છે અને વ્યાજદરમાં આ વધારો એસએનબી દ્વારા સપ્ટેમ્બર, ૨૦૦૭ પછીનો પ્રથમ વધારો હતો.
વ્યાજદરમાં વધારા છતા એસએનબીએ માર્ચમાં આપેલ મોંઘવારીના ૨.૧%ના અનુમાનને વધારીને ૨.૮% કર્યો છે. દેશમાં મોંઘવારી ૨૦૨૩ અને ૨૦૨૪માં ૧.૯% અને ૧.૬% રહેવાની અપેક્ષા રાખી હતી. 
આગામી બે વર્ષ માટેના ફુગાવા વધારાનું અનુમાન પણ અગાઉના અંદાજિત આંકડા કરતા વધુ છે. જોકે વ્યાજદરમાં વધારા અને મોંઘવારીની આશંકા વચ્ચે એસએનબીએ હજુ પણ ૨૦૨૨માં સ્વીસ અર્થતંત્ર લગભગ ૨.૫% વૃદ્ધિની અપેક્ષા રાખી હતી.