KGF ચેપ્ટર 2 ઃ અમાનવીય અત્યાચારોની કહાણી

April 26, 2022

  • જબરદસ્ત શરૂઆત સાથે ભારતીય દર્શકોમાં સાઉથની વધુ એક ફિલ્મે ડંકો વગાડ્યો
  • સોનાની ખાણમાં કામ કરતા મજૂરોની દારુણ સ્થિત પર બનેલી મૂવી કેજીએફએ ચાર દિવસમાં જ 180 કરોડનો બિઝનેસ કરી લીધો
ભારતમાં હવે બોલીવુડને બદલે સાઉથની ફિલ્મોની બોલબાલા વધી રહી છે. પ્રાદેશિક ભાષા સાથે હવે હિંદીમાં ડબીંગ થતી સાઉથની અનેક ફિલ્મોને ભારતીય પસંદ કરી રહ્યા છે. સાઉથની ‘પુષ્પાઃ ધ રાઈઝિંગ’ અને ‘આરઆરઆર’ની બોક્સ ઓફિસ પર ભારે સફળતા બાદ વધુ એક ફિલ્મે તરખાટ મચાવી દીધો છે. પ્રશાંત નીલે ડિરેક્ટ કરેલી કન્નડ સુપરસ્ટાર યશની ‘કેજીએફઃ ચેપ્ટર ટુ’ ૧૪ એપ્રિલે રજૂ થઈ અને પહેલા અઠવાડિયે કરોડોની કમાણી કરશે તેવા સંકેત આપ્યા છે. ‘કેજીએફઃ ચેપ્ટર ટુ’એ પહેલા ચાર દિવસમાં જ કરેલી કમાણીને જોતાં યશની ફિલ્મ બધા રેકોર્ડ તોડી નાંખે તેવી શકયતા છે.
‘કેજીએફઃ ચેપ્ટર ટુ’ મૂવીએ પહેલા ચાર દિવસમાં જ ઓવરઓલ ૫૫૧ કરોડની કમાણી કરી છે. જ્યારે હિંદી વર્ઝને ૧૮૦ કરોડના આંકને વટાવીને ‘બાહુબલિ ૨’ અને ‘દંગલ’ને પાછળ છોડી દીધા છે. હિન્દી ફિલ્મો ૫૦ કરોડ રૃપિયાની કમાણી કરતાં હાંફી જાય છે ત્યારે સાઉથની ડબ કરાયેલી ફિલ્મ હિન્દી પટ્ટામાં ચાર દિવસમાં ૧૮૦ કરોડનો બિઝનેસ કરે તે નાનીસૂની વાત નથી. મૂવીમાં કેજીએફમાં કામ કરતા કામદારોની દયનીય હાલતનો ચિતાર રજૂ કરાયો છે.
ફિલ્મમાં બતાવાયું છે કે, સોનાની ખાણોમાં કામ કરતા કામદારોને ગુલામની જેમ રખાતા, અમાનવીય અત્યાચારો કરાતા. આ વાતો સાચી છે કે નહીં એ જાણવામાં સૌને રસ પડી ગયો છે. ગુગલ ઉપર છેલ્લા પાંચેક દિવસથી સૌથી વધારે સર્ચ કરાતા શબ્દોમાં કેજીએફ ટોપ પર છે. તેના પરથી જ લોકોની ઉત્સુકતાનો ખ્યાલ આવે તેમ છે. ‘કેજીએફ’ સત્યઘટનાઓ પર આધારિત હોવાનો દાવો કરાય છે તેથી પણ લોકોને સવાલ થઈ રહ્યો છે કે, ખરેખર કેજીએફમાં કામ કરનારાં લોકોની દશા આટલી ખરાબ હતી ?
‘કેજીએફ’ કઈ સત્ય ઘટના કે ઘટનાઓ પર આધારિત હોવાની સ્પષ્ટતા નથી કરાઈ, પણ ભારતમાં કેજીએફ વાસ્તવમાં એક સ્થળ છે. કર્ણાટકના કોલાર જિલ્લામાં આવેલી આ સોનાની ખાણ ૨૦૦૧માં બંધ કરી દેવાઈ હતી. પણ કોલર ગોલ્ડ ફિલ્ડ્સ (કેજીએફ) નામનું શહેર છે જ. લગભગ પોણા બે લાખની વસતી ધરાવતા શહેરમાં મ્યુનિસિપલ કાઉન્સિલ છે. આ શહેરમાં મોટાભાગે સોનાની ખાણમાં કામ કરનારા લોકોનાં પરિવારો રહે છે. 
કેજીએફમાં ઓગણીસમી સદીના અંતમાં સોનું ખોદવાનું કામ શરૃ થયું પછી અંગ્રેજો તમિલનાડુથી મજૂરોને લઈ આવ્યા હતા. સ્થાનિક લોકો ચોરી કરીને સોનું લઈ ના જાય તેથી બહારના મજૂરોને અહીં વસાવાયેલા. કેજીએફમા કામ કરનારા એન્જીનિયર્સ, સુપરવાઈઝર વગેરે ઉંચી પોસ્ટ પરના બધા અંગ્રેજો હતા તેથી તેમના માટે આલિશાન મકાનો બન્યાં, અંગ્રેજી મીડિયમની સ્કૂલ પણ બની અને કેજીએફ ક્લબ પણ બની. 
બીજી તરફ ખાણમાં કામ કરતા મજૂરો માટે ઝૂંપડપટ્ટીઓ ઉભી થઈ. આ ઝૂંપડપટ્ટીઓમાં અપાર ગંદકી હતી. લાકડાના પાટિયાં અને ઉપર પતરાં નાંખીને બનાવાયેલી દરેક ઝૂંપડીમાં ઢોરની જેમ લોકો રહેતાં. બીજી કોઈ સવલતો નહોતી, તેથી ચોતરફ ગંદકી જ ગંદકી હતી. આ વિસ્તારમાં ઉંદરો મોટા પ્રમાણમાં હતા. ઝૂંપડપટ્ટીઓ બનતાં ઉંદરો એ તરફ વળ્યા. ઉંદરો ખાવાની ચીજો ખાઈ જતા તેથી મજૂરો તેમને મારી નાંખતા. વરસે ઓછામાં ઓછા ૫૦ હજાર ઉંદરોને મારી નંખાતા એવું કહેવાય છે. કેજીએફમાં બતાવાયેલી ઝુંપડપટ્ટી જેવા વિસ્તારોમાં જ મજૂરો રહેતા હતા. અત્યારે પણ કેજીએફમાં આ ઝૂંપડપટ્ટીઓ છે જ. 
મૂવીમાં ખાણમાં ગેંગસ્ટરનું વર્ચસ્વ બતાવાયું છે, તેના ગુંડા લોકો પર અમાનવીય અત્યાચારો કરે છે એવું બતાવાયું છે. આ બધું સાવ ખોટું નથી. કેમ કે અંગ્રેજો મજૂરો પાસેથી વધારે કામ કરવા માટે સ્થાનિક ગુંડાઓને રાખતા જ હતા. આ ગુંડા મજૂરો વધારે કામ કરે એ માટે તેમની મારઝૂડ કરતા. કામચોરી કરે કે સોનાની ચોરીની કોશિશ કરે તેને મારી મારીને પતાવી દેતા. ખાણમાં મજૂરોએ ટનલમાં કામ કરવું પડતું. આ ટનલો ભઠ્ઠી જેવી હતી. ઘણી વાર તો તાપમાન ૫૫ ડીગ્રી સુધી પહોંચી જતું અને મજૂરો બેભાન થઈ જતા. તેમને સારવાર આપવાની કોઈ સગવડ જ નહોતી, તેથી ખાણમાં ગમે ત્યાં ફેંકી દેવાતા. નસીબ હોય અને બચી જાય તો ઠીક, બાકી પરિવારે આવીને લાશ લઈ જવાની. એવું કહેવાય છે કે, આ રીતે દરરોજ એક-બે મજૂરો મરી જ જતા. તેમના તરફ સહાનુભૂતિ બતાવવાની કોઈ હિંમત નહોતું કરતું. કેમ કે ખાણના ગુંડા તેમને પણ પતાવી નાંખતા હતા.
આ ગુંડાઓ ખાણની બિલકુલ પાસે બનેલી ઝૂંપડપટ્ટીઓ પર પણ સતત પહેરો રાખતા. કોઈ મજૂર ભાગી ના જાય તેનું ધ્યાન રખાતું અને ગમે ત્યારે આવીને ગુંડા તલાશી લેતા. તલાશીના બહાને મજૂરોની સ્ત્રીઓ પર બળાત્કાર ગુજારાતા. મોટાભાગના ગુંડા ઝૂંપડપટ્ટીઓમા જ પડયાપાથર્યા રહીને સ્ત્રીઓનું શોષણ કરતા. ચૂપચાપ સહન કરી લે તેને કંઈ ના થતું પણ અવાજ ઉઠાવે તેની જીંદગી ખતમ થઈ જતી.  
કેજીએફમાં સંખ્યાબંધ ખાણ હતી. જનરલ ઈલેક્ટ્રિક કંપનીએ ૧૯૦૨માં ૧૪૦ કિલોમીટર લાંબો કેબલ વીજળી આપવા નાંખેલો. તેના પરથી જ સમજાય કે, ખાણો ૧૪૦ કિમીના પટ્ટામાં ફેલાયેલી હતી. જો કે દરેક ખાણમાં આ જ હાલત હતી. જોન ટેલર એન્ડ સન્સ નામની કંપની પાસે સૌથી વધારે ખાણ હતી. જોન ટેલરે માયસોર ગોલ્ડ કંપની નામે સબસિડરી કંપની બનાવીને કેટલાક ભારતીયોને ભાગીદાર બનાવ્યા હતા. પણ ગોલ્ડના બિઝનેસ પર સંપૂર્ણ અંકુશ ટેલરનો હતો. 
દેશ આઝાદ થયો પછી ૧૯૫૬માં ખાણોનું રાષ્ટ્રીયકરણ થતાં અંગ્રેજોનો અંકુશ ગયો પણ સરકારમાં બેઠેલા લોકોએ ઘણી ખાણો ઉપર ગેરકાયદેસર કબજો કરીને ગુંડાઓ મારફતે વહીવટ ચલાવ્યો હતો.  આ ખાણોમાં મૂવીમાં બનાવાઈ એવી હાલત હતી જ તેથી મૂવીમાં જે કંઈ બતાવાયું છે એ સાવ કાલ્પનિક નથી જ. કેજીએફમાં યશે મુંબઈના ગેંગસ્ટર રોકીનો રોલ કર્યો છે. રોકીનો રોલ કોલર ગોલ્ડ ફિલ્ડ્સમાં ૧૯૯૦ના દાયકામાં હાહાકાર મચાવનારા થંગમ નામના અપરાધીના જીવન પર આધારિત હોવાનો દાવો થઈ રહ્યો છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં કેજીએફ પોલીસે ૨૭ ડીસેમ્બર, ૧૯૯૭ના દિવસે થંગમને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો ત્યારે તેની ઉંમર માત્ર ૨૫ વર્ષ હતી.
થંગમની મા પૌલિનાએ ‘કેજીએફઃ ચેપ્ટર વન’ની રીલિઝ પછી ‘કેજીએફઃ ચેપ્ટર ટુ’નું શૂટિંગ રોકવા કોર્ટમાં અરજી કરી હતી. પૌલિનાનો દાવો હતો કે, ડિરેક્ટર પ્રશાંત નીલની ટીમે થંગમનું ચિત્રણ સારા માણસ તરીકે કરવાનું વચન આપીને નેગેટિવ કેરેક્ટર બનાવી દીધું. પ્રશાંતે કહેલું કે, ‘કેજીએફ’ થંગમ પર આધારિત છે જ નહીં. થંગમ પર ‘કોલાર’ નામે ફિલ્મ બની રહી છે. તેના સર્જકોએ પણ પોતાની પાસે થંગમના જીવન પરથી ફિલ્મ બનાવવાના રાઈટ્સ હોવાનો દાવો કરીને વાંધો ઉઠાવેલો પણ મારી ફિલ્મ થંગમ પર નથી.
થંગમ સામે ખૂન, ધાડ, લૂંટના ૪૨ ગુના નોંધાયા હતા. અત્યંત ક્રૂર થંગમની ગણના બીજા વિરપ્પન તરીકે થતી હતી.
એન્કાઉન્ટરના પચ્ચીસ દિવસ પહેલાં થંગમે એક સ્ટોર ઉપર ત્રાટકીને દોઢ લાખનાં ઘરેણાં લૂંટયાં હતાં. આ લૂંટ તેને ભારે પડી ગઈ. થંગમના મોત પછી તેના ત્રણ ભાઈઓ સગાયમ, ગોપી અને જયકુમારે ગેંગની ગતિવિધિઓ ચાલુ રાખી હતી. પણ ૨૦૦૩માં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં પોલીસે ત્રણેયને મારી નાંખ્યા હતા. પૌલિનાએ કરેલી અરજીના આધારે આ કેસમાં સીબીઆઈ તપાસ સોંપાઈ હતી. સીબીઆઈએ ૨૦૧૨માં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ રમેશ કુમાર સહિત સાત પોલીસો સામે આરોપનામું દાખલ કરેલું પણ આ કેસ હજુ પત્યો નથી.