કિસાન નેતા ટિકૈત બંધુઓ ઉપર સરકારી જમીન હડપવાનો આક્ષેપ

May 23, 2022

- આ આક્ષેપો પાયાવિહોણા છે હું પૂછપરછ માટે તૈયાર છું, મેં કોઈ સરકારી જમીન દબાવી નથી : નરેશ ટિકૈત

દિલ્હી : ભારતીય કિસાન યુનિયન (BKU) માં પડી રહેલી ફાટફૂટનો સામનો કરી રહેલા ટિકૈત બંધુઓ સામે નવું સંકટ આવ્યું છે. બંને કિસાન નેતાઓ ઉપર સરકારી જમીન હડપ કરવાના આક્ષેપો છે. આ અંગે સરકારી અધિકારીનું કહેવું છે કે, તે અંગે તપાસ કરવામાં આવશે. તે સામે ફરિયાદ કરનારનું કહેવું છે કે, જો આ બાબતમાં તપાસ નહીં યોજાય તો તેઓ આ પ્રશ્ન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લઈ જશે.

મીડીયા રીપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશના મુઝફરનગર જિલ્લાના સીસૌવી ગામમાં રહેનારા, રાહુલ મુખિયાએ રાકેશ ટિકૈત અને નરેશ પર તેવો આક્ષેપ કર્યો છે કે સીસૌલી ગામમાં જમીનનો જે ભાગ તળાવ રચવા માટે જુદો તારવવામાં આવ્યો હતો, અને ખોદીને તળાવ પણ કરવામાં આવ્યું હતું. તે ખાડો ટિકૈત ભાઈઓએ માટી નાખી પૂરી દીધો હતો, અને ગેરકાયદે રીતે ત્યાં રહેણાંક બનાવી દીધું છે. આ અંગે ફરિયાદ કરાઈ હોવા છતાં, કોઈ કાર્યવાહી થઈ નથી. વાસ્તવમાં એક દાયકા પૂર્વે સરકાર તરફથી સિસૌવી ગામમાં જમીનનો કેટલોક ભાગ તળાવ માટે જુદો રખાયો હતો. ટિકૈત ભાઈઓએ તે તળાવ માટીથી ભરી દીધું હતું, ત્યાં રહેણાંક બનાવ્યા હતા.


રાહુલ મુખિયાએ કહ્યું હતું કે, આ અંગે સરકારી અધિકારીઓને લિખિત રીતે જિલ્લા સ્તરના અધિકારીઓને જણાવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી સંજીવ બાલિયાનને પણ જાણ કરાઈ હતી છતાં કશી કાર્યવાહી થઈ નથી. આ અંગે નરેશ ટિકૈતે આ આક્ષેપોને પાયા વગરના કહેતા પત્રકારોને જણાવ્યું હતું કે, ''હું પૂછપરછ માટેતૈયાર છું મને ખબર નથી પડતી કે લોકો શા માટે મારી ઉપર આક્ષેપો કરે છે. અમે કોઈપણ સરકારી જમીન ઉપર કબ્જો જમાવ્યો જ નથી. એ બધાં જ આક્ષેપો પાયા વગરના છે.''