કોરોના થયો હોવાની શંકાથી બ્લેડથી ગળુ કાપી કરી લીધી આત્મહત્યા

March 23, 2020

નવી દિલ્હી, : કોરોનાના દર્દીઓની સંખ્યા જેમ જેમ દેશમાં વધી રહી છે તેમ તેમ કોરોનાનો ડર લોકોમાં પણ હાવી થઈ રહ્યો છે. યુપીના હાપુડ જિલ્લામાં તો એક વ્યક્તિઓ પોતાને કોરોના થયો છે તેવી શંકાથી આત્મહત્યા કરી લીધી હતી.આ દર્દનાક ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે.

મળતી પ્રમાણે હાપુડમાં રહેતા સુશીલ કુમાર હેર કટિંગ સલૂન ચલાવતા હતા. એક સપ્તાહ પહેલા તેમને તાવ આવ્યો હતો અને ગળામાં ઈન્ફેક્શન થયુ હતુ. કોરોના વાયરસના ડરથી તેમણે પહેલા સરકારી હોસ્પિટલમાં અને એ પછી ખાનગી ડોક્ટર પાસે પણ દવા લીધી હતી.

પરિવારના કહેવા પ્રમાણે આસપાસના લોકોએ તેમને કોરોના થયો હોવાનુ માનીને દુર રહેવાનુ શરુ કર્યુ હતુ. તેમની દુકાન પર પણ કોઈ જતુ નહોતુ.પરિવારને વાયરસ લાગી જશે તેવી શંકાથી સુશિલ કુમાર પણ ઘરના અલગ રુમમાં રહેવા માંડ્યા હતા. શનિવારે રાતે તેઓ રુમમાં હતા.

સવારે પરિવારના સભ્યો તેમને ચા આપવા ગયા ત્યારે જોયુ તો સુશિલ કુમાર લોહીમાં પડેલા હતા.તેમણે બ્લેડ વડે પોતાનુ જ ગળુ કાપીને આત્મહત્યા કરી લીધી હતી.સુસાઈડ નોટમાં પણ તેમણે આ વાત જણાવી હતી. સુસાઈડ નોટમાં લખ્યુ હતુ કે, મારા બાળકોને કોરોના ના થાય તે માટે હું આત્મહત્યા કરી રહ્યો છું.મારા પરિવારનુ ધ્યાન રાખજો અને તેમનો કોરોના ટેસ્ટ કરાવજો.