ક્ષિતિજ પ્રસાદના વકીલનો દાવો, NCBએ કરન જોહરનું નામ આપવા માટે દબાણ કર્યું

September 28, 2020

 

મુંબઈ : NCBએ રવિવાર, ના રોજ ડ્રગ્સ કેસમાં ધર્મા પ્રોડક્શનના પૂર્વ પ્રોડ્યૂસર ક્ષિતિજ પ્રસાદને કસ્ટડીમાં લીધો હતો. હવે ક્ષિતિજના વકીલ સતીશ માનશિંદે (રિયાના વકીલ પણ આ જ છે)એ દાવો કર્યો હતો કે NCBની પૂછપરછ દરમિયાન ક્ષિતિજ પર કરન જોહરનું નામ આપવા માટે દબાણ બનાવવામાં આવ્યું હતું.

આ કેસમાં કરન જોહરનું નામ આવતા ક્ષિતિજના વકીલે પોતાના ક્લાયન્ટ સાથે NCBએ કેવું વર્તન કર્યું તે અંગે વાત કરીને અનેક આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ક્ષિતિજને વીડિયો કોન્ફરન્સિંગના માધ્મયથી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં આવ્યો હતો અને જજે 3 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપ્યો હતો. ક્ષિતિજના વકીલે કહ્યું હતું કે મેજિસ્ટ્રેટ સામે રજૂ કરતા પહેલા ક્ષિતિજને હેરાન કરવામાં આવ્યો હતો અને બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેની સાથે થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ તથા દુર્વ્યવહાર પણ કરાયો હતો. વકીલના મતે, કોર્ટમાં ક્ષિતિજે કહ્યું હતું કે તેને 24 સપ્ટેમ્બર, 2020ના રોજ NCB તરફથી ફોન આવ્યો હતો અને તે દિલ્હીમાં હતો. NCBએ તેને કહ્યું હતું કે તેઓ નિવેદન નોંધશે અને ઘરની તપાસ કરશે. 25 સપ્ટેમ્બરના રોજ ક્ષિતિજ મુંબઈ આવ્યો અને સવારે નવ વાગે NCBની હાજરીમાં પોતાના ઘરમાં એન્ટર થયો હતો. NCBને ક્ષિતિજના ઘરમાંથી માત્ર સિગરેટના ટૂકડા સિવાય કંઈ જ મળ્યું નહોતું.

વકીલે આગળ કહ્યું હતું, 'NCB ટીમ વારંવાર સિગરેટના ટૂકડાને ગાંજાના જોઈન્ટ કહી રહી હતી. જોકે, આવું કંઈ જ નહોતું. ક્ષિતિજના વિરોધ છતાં પંચનામું કરી દેવામાં આવ્યું. પછી ક્ષિતિજની પત્નીના કહેવા પર પંચનામામાં ગાંજાનો જોઈન્ટ હોવાનું 'માનવામાં આવે છે' શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ NCB ક્ષિતિજ તથા તેના બે મિત્ર ઈશા તથા અનુભવને સાડા અગિયાર વાગે ઓફિસ લઈને આવી હતી.

વકીલે આગળ કહ્યું હતું કે ક્ષિતિજને સાડા અગિયારથી છ વાગ્યા સુધી NCBની ઓફિસમાં બેસાડીને રાખ્યો હતો અને તેના બે મિત્રોની પૂછપરછ કરવામાં આવી હતી. બંને મિત્રોને NCBએ કહ્યું હતું કે જો તેઓ ક્ષિતિજ વિરુદ્ધ બોલશે તો તેમને જવા દેવામાં આવશે અને તેમ જ થયું હતું.

6.45 વાગે ક્ષિતિજની પૂછપરછ શરૂ થઈ હતી. પૂછપરછ દરમિયાન NCB અધિકારીઓ સંકેત પટેલ નામના ડ્રગ પેડલરને અંદર લાવ્યા હતા. તેને પૂછ્યું હતું કે તે ક્ષિતિજને ઓળખે છે તો તેણે ના પાડી હતી. ત્યારબાદ NCB અધિકારી સમીર વાનખેડેએ ક્ષિતિજને બહાર જવાનું કહ્યું હતું. પાંચ મિનિટ પછી જ્યારે ક્ષિતિજ અંદર આવ્યો તો સંકેતે તેને ઓળખવાની વાત કબૂલ કરી લીધી હતી. સાચી વાત તો એ છે કે ક્ષિતિજ ક્યારેય સંકેતને મળ્યો નથી અને તેને ઓળખતો પણ નથી.

ક્ષિતિજના વકીલે NCBના અધિકારીઓ પર આક્ષેપ મૂક્યો હતો કે તેમના ક્લાયન્ટનો વિરોધ હોવા છતાંય તેની પર ખોટો આક્ષેપ મૂક્યો હતો. ક્ષિતિજના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. વકીલ સાથે વાત પણ કરવા દેવામાં આવી નહોતી. તે દિવસે ક્ષિતિજને ઓફિસમાં જ રોકી લેવામાં આવ્યો હતો.