લદ્દાખ ડોકલામ નથી, અમે ભારત સાથે જંગ માટે તૈયારઃ ચીન

June 03, 2020

બેઇજિંગ : લદ્દાખમાં ભારત સામે બાંયો ચઢાવનાર ખંધા ચીને હવે ભારતને ખુલ્લે આમ જ ધમકી આપી દીધી છે.
ગલવાન ખીણ અને પૈગોંગ લેકની આસપાસ હજારો સૈનિકોને કારગીલમાં પાકિસ્તાને કર્યુ હતુ તેમ બેહદ ચાલાકથી તૈનાત કરનાર ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે, લદ્દાખ એ ડોકલામ નથી.અમારી સેનાએ ભારત સાથે પહાડો પર યુધ્ધ લડવા માટે પૂરી તૈયારી કરી દીધી છે.

અખબારે ચીનના એક સંરક્ષણ નિષ્ણાતના હવાલાથી લખ્યુ છે કે, ચીને પોતાના હથિયારોમાં ટાઈપ 15 ટેન્ક, ઝેડ 20 હેલિકોપ્ટર, જીજે 2 પ્રકારના ડ્રોન સામેલ કર્યા છે.જે ખાસ પહાડો પર યુધ્ધ લડવા માટે છે.ટાઈપ 15 પ્રકારની ટેન્ક તો સેનામાં ગયા વર્ષે જ સામેલ કરાઈ છે.હળવા વજનની આ ટેન્ક પહાડી વિસ્તારોમાં આસાનીથી મૂવમેન્ટ કરી શકે છે.

આ વિશ્લેશકે કહ્યુ છે કે, ચીને 25 ટનની પીસીએલ 181 પ્રકારની તોપો પણ તૈનાત કરી છે.વજન ઓછુ હોવાથી તોપને ક્યાંય પણ ખસેડવુ આસાન છે.તે પહાડોમાં ઘાતક હુમલો કરવા માટે સક્ષમ છે.ચીની સેનાએ તિબેટમાં પણ ભારતીય સેનાને અડીને મલ્ટીપલ રોકેટ લોન્ચર ગોઠવ્યા છે.જે 370 એમએમના રોકેટ ફાયર કરવા માટે સક્ષણ છે.

અખબારના કહેવા પ્રમાણે ઝેડ-20 માલવાહક હેલિકોપ્ટરો સપ્લાય પહોંચાડવા માટે તૈનાત કરાયા છે.નજર રાખવા માટે અત્યાધુનિક ડ્રોન પણ તિબેટ વિસ્તારમાં  રાખવામાં આવ્યા છે.