સૌરાષ્ટ્રમાં વીજળી યમદૂત બની : પાંચ મહિલા સહિત આઠનાં મોત

July 01, 2020

- બોટાદ જિલ્લામાં વૃદ્ધ, કિશોરી અને યુવતીનો ભોગ લેવાયો
- ખંભાળિયાના વિરમદડ ગામે કાકી-ભત્રીજી, કાલાવડ તાલુકામાં યુવકે જીવ ગુમાવ્યો
લાલપુરના રક્કા ગામમાં વાડીએ કામ કરતા માતા-પુત્ર ભડથું


રાજકોટ- સૌરાષ્ટ્રમાં આજે ગાજવીજ અને કડાકાભડાકા સાથે વરસેલા વરસાદ દરમ્યાન આકાશી વીજળી યમદૂત બનીને ત્રાટકતાં જુદી જુદી ઘટનામાં 8 લોકો કાળનો કોળિયો બની જતાં અરેરાટી પ્રસરી હતી.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ગામમાં વીજળી પડવાના કારણે માતા-પુત્રના કરૂણ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે ખંભાળિયા તાલુકાના વિરમદડ ગામે રહેતા ખેડૂત પરિવારના કેટલાક સદસ્યો બપોરે તેમની વાડીએ હતા ત્યારે વીજળી પડતા કાકી-ભત્રીજીએ અને કાલાવડ તાલુકામાં એક યુવાને પ્રાણ ગુમાવ્યા હતા, જ્યારે બોટાદ જિલ્લામાં એક વૃદ્ધ, એક કિશોરી અને એક યુવતીનાં મોત થયા હતા.

રક્કા ગામમાં રહેતા વિજય જયેશભાઈ સીતાપરા(12) અને તેની માતા નીતાબેન  સીતાપરા(35) આજે ચાલુ વરસાદે પોતાની વાડીમાં હતા. નીતાબેન નિંદવાનું કામ કરતા હતા અને તેનો વિજય તેની બાજુમાં ઉભો હતો. જે દરમિયાન એકાએક ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો ત્યારે વીજળી ત્રાટકી હતી. 

જ્યારે જૂના વિરમદડ ગામે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ દરમિયાન બપોરે આશરે દોઢેક વાગ્યે સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત કુટુંબના સભ્યો જમીને બેઠા હતા ત્યારે એ સૃથળે એકાએક ધડાકાભેર વીજળી પડતા પાબીબેન સગાભાઈ ડાંગર(35) તથા તેની સાથે રહેલી તેની ભત્રીજી કોમલ કરશનભાઈ ડાંગર(20)નું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલા મંજુબેન ખીમાણંદભાઈ ડાંગર(30) તથા કંચનબેન કરસનભાઈ ડાંગર (20) ઉપર પણ વીજળી પડતાં તેમને ઈજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આૃર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ કરૂણ બનાવે ખેડૂત પરિવાર તથા નાના એવા વિરમદડ ગામમાં ભારે શોકની લાગણી પ્રસરાવી છે.  બીજી તરફ કાલાવડ તાલુકાના નાના વડાળા ગામ માં રહેતા પંકજભાઇ મગનભાઈ પાંભર નામના 40 વર્ષના ખેડૂત યુવાન પર વીજળી પડતાં તેનું સૃથળ પર જ કરૂણ મૃત્યુ નિપજયું હતું.

વધુમાં બોટાદ જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે આકાશમાં વીજળીના કડાકા સાથે આજે સવારે લાઠીદડ ગામે વીજળી ત્રાટકતાં ખેતરમાં નિંદામણનું કામ કરી રહેલા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ(60) તેમ જ  જ્હાન્વીબેન વિજયભાઈ ચૌહાણ(ઉં.વ.આશરે સાડા પાંચ વર્ષ)અને તાલુકાના સરવઈ ગામે ગુડીબેન જીવરાજભાઈ ભાટવાલિયા(18) નામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આજે દિવસ દરમ્યાન બોટાદ અને ગઢડા પંથકમાં વરસાદ માત્ર પાંચ મીમી વરસ્યો હતો પરંતુ વીજળી પડવાની દુર્ઘટનામાં ત્રણ લોકોનો ભોગ લેવાયો હતો.