મેકઅફી: શહેનશાહી જીવન, કાયરતાપૂર્ણ મોત

July 03, 2021

  • મશહૂર, હિંમતવાન અને ટેક્નોક્રેટ મેકઅફીના જીવનનો સ્પેનની જેલમાં અણધાર્યો અંત
  • ખોટુ બોલવામાં માહિર મેકઅફી ગાંજો વેચતા પકડાયો અને ડ્રગ્સના રવાડે પણ ચઢ્યો
  • એન્ટિ વાયરસ બનાવી કંપની શરૂ કરી 750 કરોડની સંપતી ધરાવતા મેકઅફીઅે ઈન્ટેલ પણ ખરીદી લીધી હતી
શોલે ફિલ્મના એક દ્રશ્યમાં ગબ્બર તેનાં સાગરિતો સામે એક ખેલ ખેલે છે. ગબ્બર હાથમાં રિવોલ્વર પકડીને એલાન કરે છેકે - ઈસકે તીન ખાનોં મેં ગોલી હૈ, તીન ખાલી હૈ. અબ હમ ઈસ કો ઘૂમાયેંગે. અબ કહાં ગોલી હૈ, ગબ્બરે જે ખેલ ખેલ્યો હતો તેને રશિયન રુલેટ કહેવાય છે. આવા જ એક ખતરનાક ખેલનો ખેલાડી મેકઅફીએ અઠવાડિયા પહેલાં જ પોતાના જીવનનો અંત આણી દીધો. તે જીવ્યો એક શહેનશાહની જેમ, અને મર્યો કમોતે ! કમ્પ્યુટર સિક્યોરિટી સોફ્ટવેર બનાવતી અમેરિકન કંપની મૅકઅફી કોર્પોરેશનનો તે ફાઉન્ડર હતો. જ્હોન મૅકઅફીને કમ્પ્યૂટર એન્ટિવાયરસ સોફ્ટવેરના રચનાકાર તરીકે વિશ્વમાં માનવામાં આવતો હતો. આટલો મશહૂર અને હિંમતવાન ટેક્નોક્રેટ જેલમાં બંધ કેમ હતો ? જેલમાં જ તેનું મોત કેવી રીતે થયું ? તેની વિગતો પણ રસપ્રદ છે.
જ્હોન સ્કોટલેન્ડમાં જન્મ્યો હતો. તેનાં માતા-પિતા પાછળથી તેને અમેરિકા લઈ આવ્યાં હતાં. પિતા જલ્લાદ ખુબ શરાબ પીતાં તથા જ્હોન અને તેની માતાને બેરહેમીથી મારતાં હતાં. જહોન ૧૫ વર્ષનો હતો જ્યારે તેનાં પિતાએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. જ્હોન ભણવામાં સ્કોલર હતો. કોલેજ સુધી પહોંચી ગયો હતો. જ્હોને બીએવિથ મેથેમેટિક્સના કોર્સમાં એડમિશન મેળવવા પૈસાની જરૂર હતી. જ્હોન ઘરે ઘરે જઈને લોકોને ઊલ્લું બનાવતો કે, તમને લોટરી લાગી છે, કોઈને કહેતો તમે ફ્રી મેગેઝિનનું સબસ્ક્રિપ્શન જીત્યા છો, તમારે ફક્ત શિપિંગનો ખર્ચ આપવાનો છે વગેરે વગરે બહાના બનાવી જ્હોન કમાણી કરવા લાગ્યો હતો. આ બધામાં જ્હોન એટલું કમાયો કે, કોલેજની ફી તો ભરાઈ ગઈ, પણ સાથે શરાબ પીવાના પૈસા તેને મળી ગયાં હતાં. ગ્રેજ્યૂએશન પૂરું કર્યા બાદ તે એક સેક્સસ્કેમમાં ફસાઈ જતાં તેને પીએચડીમાં એડમિશન મળ્યું ન હતું. જ્હોને નાની-મોટી નોકરી શોધી લીધી, પણ ગાંજો વેચતા ઝડપાઈ જતાં નોકરીથી પણ હાથ ધોવા પડ્યાં. જ્હોનની એક ખાસિયત હતી તે એકદમ આત્મવિશ્વાસ સાથે ખોટું બોલી લેતો હતો. આવાં જ આત્મવિશ્વાસ સાથે તેણે ખોટો બાયોડેટા તૈયાર કરીને રેલ્વે માટે કામ કરતી એક કંપનીમાં નોકરી મેળવી લીધી. આ દરમિયાન જ્હોનને ડ્ગ્સની આદત લાગી ગઈ. તેનાં કારણે આ નોકરી પણ છૂટી ગઈ હતી. બીજી તરફ લગ્નજીવન પણ તૂટી ગયું. આખરે આત્મહત્યા કરવાના વિચારો આવતાં કોઈએ મનોચિકિત્સકની સલાહ લેવાનું કહ્યું અને ધીમે ધીમે ફરી જિંદગી પાટા પર ચડી હતી. દરમિયાનમાં એક ટેક કંપનીમાં જ્હોનને જોબ મળી ગઈ હતી. વર્ષ ૧૯૮૬માં જ્હોન એક મેગેઝિન વાંચી રહ્યો હતો. આ મેગેઝિનમાં જ્હોનને બ્રેન વાઇરસ પર એક આર્ટિકલ વાંચવા મળ્યો હતો. બસ, અહીંથી જ જ્હોનની જિંદગી બદલાઈ ગઈ. જ્હોને નક્કી કર્યું કે, તે પોતે એન્ટિવાયરસ પ્રોગ્રામ બનાવશે. તેણે એક નાની કંપની ખોલી અને પોતાનું જ નામ આપ્યું મૅકઅફી અસોસિએટ્સ. તે કમ્પ્યૂટર્સને વાયરસથી સુરક્ષિત રાખવા માટે સોફ્ટવેર બનાવવા લાગ્યો હતો. તેણે પોતાનાં પહેલાં કોડ પ્રોગ્રામને વાયરસ સ્કેન નામ આપ્યું. શરૂઆતમાં તેણે બનાવેલું એન્ટિવાયરસ મોટી કંપનીઓને ફ્રીમાં આપવાનું શરૂ કર્યું હતું. માત્ર પાંચ વર્ષમાં જ લગભગ ૫૦ ટકા કંપનીઓ મૅકઅફી એન્ટિવાયરસ યૂઝ કરવા લાગી હતી. કંપનીઓએ મૅકઅફીને લાયસન્સ આપવાનું પણ શરૂ કરી દીધું હતું. ૧૯૯૦ સુધીમાં તો મેકઅફીનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં પહોંચી ગયું. અને છેવટે એન્ટિ વાયરસની દુનિયામાં મૅકઅફીનું નામ થઈ ગયું હતું. વર્ષ ૧૯૯૪માં જ્હોને રાજીનામું આપી કંપનીમાંથી છુટો થઈ ગયો હતો. જ્હોન પાસે લગભગ ૬૦૦ કરોડના શેર્સ આવી ગયાં હતાં. વર્ષ ૨૦૧૦માં કમ્પ્યુટર ચીપ બનાવતી કંપની ઇન્ટેલને મેકઅફીએ ખરીદી લીધી હતી.
મૅકઅફી અસોસિએટ્સમાંથી નીકળી ગયાં પછી પણ જ્હોનટેક બિઝનેસમાં ટકી રહ્યો હતો. તેણે ફાયરવોલ બનાવતી કંપનીઓમાં રોકાણ શરૂ કર્યું હતું. રોકાણકારની સાથે હવે જ્હોન બિઝનેસ ગુરુપણ કહેવાતો હતો. ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ મંદી પૂર્વે કંપની પાસે રૂા.૭૫૦ કરોડની સંપત્તિ હતી. મંદી પછી આ સંપત્તિ માત્ર રૂ. ૩૦ કરોડ રહી હતી. જ્હોન પર મુસિબતોનો પહાડ તૂટી પડ્યો હતો. ગભરાઈને જ્હોને દેશ છોડીને ભાગી છૂટવાનો પ્લાન બનાવ્યો. જ્હોને અમેરિકાની તેની બધી સંપત્તિની નિલામી કરી દીધી. ઘર, કાર, પોતાનું પ્રાઇવેટ એરપોર્ટ વગેરે બધું વેચી નાખ્યું. બધા પૈસા ભેગાં કરીને 2008માં બલીઝ પહોંચી ગયો હતો. તેનાં મનમાં હવે શહેનશાહોની જેમ જીવવાની ઈચ્છા હતી. તેણે સમુદ્રના કિનારે એક આલિશાન ઘર બનાવ્યું, અહીં ઘરમાં ઇન્ટરનેટ ન હોતું! જ્હોન એવું સમજતો કે, ઈન્ટરનેટ હશે તો તેને ફોલો કરવામાં આવશે અને તેની પ્રાઈવેસી ખતમ થઈ જશે. જો કે, તેમ છતાં તેણે અહીં બિઝનેસ પણ શરૂ કર્યાં હતાં.
અલબત્ત, જ્હોનની આ એયાશ દુનિયા વધારે ટકી નહીં. તેની ગતિવિધિઓ સરકારના નિશાને ચડી ગઈ હતી. આરોપ હતો કે, જ્હોન પોતાની પ્રાઇવેટ આર્મી તૈયાર કરી રહ્યો છે, જેથી મોટાપાયે ડ્રગ્સનો કારોબાર કરી શકે. જ્હોન પરના આરોપો પછી સરકારે વારંવાર તેનાં ઘર પર છાપા માર્યા હતાં, પણ કંઈ મળ્યું ન હતું. આ આરોપ પૂરવાર થાય એ પહેલાં ૨૦૨૧માં જ્હોન પર તેનાં પડોશીની હત્યાનો આરોપ લાગતા પોલીસે પૂછપરછ માટે તેની ધરપકડ કરી હતી. જો કે, જ્હોન સામે પોલીસને છેવટે કોઈ પૂરાવાઓ મળ્યાં ન હતાં અને અનેક હેરેસમેન્ટ પછી જ્હોનને છોડી મૂકવામાં આવ્યો હતો. જ્હોનને લાગ્યું કે, હવે અહીં બલીઝમાં રહેવું સુરક્ષિત નથી. તેણે ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ તે પછી જ્હોનને ગુઆટેમાલામાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો. 
જ્હોને ગુઆટેમાલા સરકાર પાસે આશરો માગ્યો પણ સરકારે તેને અમેરિકા ડિપોર્ટ કરી દીધો હતો. ૨૦૧૬માં જ્હોન રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો છે તેવી ખબર આવી. જો કે, તેવુ કશુ ન થયું અને ૨૦૧૯માં ફ્લોરિડાની એક કોર્ટે મર્ડર કેસમાં જ્હોનને દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. જ્હોન અહીં પણ આઠો ચાલ્યો અને દંડ ભરવાનો ઇન્કાર કરી દીધો. ઉપરથી ટ્વીટ કરીને ચેલેન્જ આપતાં લખ્યું કે, છેલ્લાં ૧૧ વર્ષમાં મારી ઉપર આવાં ૩૭ કેસ ચાલ્યાં છે અને એકમાં પણ દંડ ભર્યો નથી. એ પછીના વર્ષોમાં જ્હોન સામે ક્રિપ્ટોકરન્સીમાં ફ્રોડ અને ટેક્સ ચોરીના કેસ ચાલ્યાં હતાં. કાર્યવાહીથી બચવા માટે જ્હોન ફરી દેશ છોડીને ભાગી ગયો હતો. ચોર પોલીસની લાંબી રમત પછી ૩ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ સ્પેનના બાર્સેલોના એરપોર્ટ ઉપરથી તે ઝડપાઈ ગયો હતો. બાર્સેલોનાથી ફ્લાઇટ પકડીને તે ઇસ્તાનબુલ જઈ રહ્યો હતો. સ્પેનની પોલીસે તેને જેલમાં ધકેલી દીધો હતો. બીજી બાજું અમેરિકાએ જ્હોનનો કબજો માગતા જ્હોને અદાલતને અપીલ કરી હતી કે, તેને અમેરિકા મોકલવામાં ન આવે. તેણે અદાલતને એવું કહ્યું હતું કે હું ૭૫ વર્ષનો છું. મને અમેરિકા મોકલશો તો મારી પાછલી જિંદગી જેલમાં જતી રહેશે. ગત ૨૩ જૂને સ્પેનની અદાલતે ફેંસલો સંભળાવ્યો અને જ્હોનને અમેરિકા મોકલવાની પરવાનગી આપી દીધી હતી. બસ, સ્પેનની અદાલતે પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધાં પછી થોડાં કલાકોમાં જ જ્હોનનું મોત થઈ ગયું. સ્પેનની ઓથોરિટીના જણાવ્યાં મુજબ, જ્હોન તેની કોઠડીમાં ફંદા સાથે લટકતો મળ્યો હતો. રશિયન રુલેટનો ખેલ ખેલીને રોમાંચિત થતાં જ્હોન મૅકઅફીએ અંતે પોતાને જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ સાથે જ ઃ મશહૂર, હિંમતવાન અને ટેક્નોક્રેટ મેકઅફીના જીવનની રસપ્રદ કથાનો પણ અંત આવી ગયો.
પ્રાસંગિક: ધવલ શુક્લ