વડોદરામાં બૂથમાં દાદાગીરી કરતા સાંસદ રંજનબહેનને મતદાન મથકમાંથી હાંકી કઢાયાં

February 22, 2021

વડોદરાઃ વડોદરા સમા તળાવ પાસેના મતદાન મથકમાં રવિવારે સવારે ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે વગર પાસે એન્ટ્રી લેતાં વોર્ડ ૨ના કોંગ્રેસના કાર્યકર જીતેન્દ્ર સોલંકીએ હોબાળો મચાવ્યો હતો. સાંસદના પ્રવેશને અટકાવવા કોંગી કાર્યકરે કંટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. મામલો એટલો ગરમાયો કે, અંતે ચૂંટણી પંચના સ્ટાફે ભાજપના સાંસદ રંજનબેનને ધુત્કારી રીતસર હાંકી કાઢયા હતા.સમા તળાવ પાસે નૂતન વિદ્યાલય ખાતે આજે વોર્ડ ૨નું મતદાન ચાલુ હતું. સવારે લગભગ ૧૧ વાગ્યે સાંસદ રંજનબેન મતદાન મથકમાં પ્રવેશ્યા હતાં. દરમિયાન વોર્ડ ૨ના કોંગ્રેસના કાર્યકરે ફોનમાં કેમેરો ચાલુ કરી રંજનબેનનો વીડિયો ઉતાર્યો હતો. રંજનબેનને મતદાન મથક અંદર પ્રવેશ લેતા કોંગી કાર્યકરે ચંૂટણી પંચના સ્ટાફને રજુઆત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે, સાંસદ રંજનબેન શ્રી કૃષ્ણ વિદ્યાલય અને નવયુગ વિદ્યાલયમાં પણ વગર પાસે પ્રવેશ લીધો હતો. નૂતન વિદ્યાલયમાં રંજનબેનના પ્રવેશ બાદ મેં તેમને ટકોર કરી હતી. ચંૂટણીના સ્ટાફને મૌખીક રજુઆત બાદ રંજનબેનને મતદાન મથક બહાર જવા તાકીદ કરાઈ હતી. આ મામલે કંટ્રોલના ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસ બોલાવી હતી. સમા પોલીસ સ્થળ પર આવી પણ મે ફરિયાદ કરવાનું કહેતા પોલીસે તે દિશામાં કોઈ કાર્યવાહી કરી ન હતી. સૂત્રો કહે છે કે, ચૂંટણી પંચના સ્ટાફે ભાજપના આ સાંસદને હડધૂત કરી ભગાડી દીધા હતા.