સુરતના વેવાઈ સાથે ભાગી ગયેલા નવસારીના વેવાણ પોલીસ સ્ટેશનમાં થયા હાજર

January 27, 2020

થોડા સમયથી સુરતનો એક કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. આ કિસ્સો એવો હતો કે, સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે નક્કી થયા હતા. લગ્નને થોડાં દિવસોની વાર હતી તે પહેલા યુવકના પિતા યુવતીની માતાને લઇને ભાગી ગયા હતા. વેવાઈ-વેવાણ ભાગી ગયા હોવાની વાત લોકોને ખબર પડતા સોશિયલ મીડિયા પર પણ લોકોએ ઘણા રમુજી વીડિયો અને જોક્સ અપલોડ કર્યા હતા. તો બીજી તરફ ભાગી ગયેલા વેવાઈ અને વેવાણે મિત્રના મોબાઈલ પર ફોન કરીને પરિવારજનોના ખબર અંતર પૂછ્યાં હતા.
હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. 26 જાન્યુઆરીની રાત્રે વેવાણ નવસારીના વિજલપોર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા હતા. આ બાબતે પોલીસે વેવાણના પરિવારજનોને જાણ કરતા વેવાણના પતિએ તેને અપનાવવાનો ઇન્કાર કર્યો હતો. તેથી પોલીસ દ્વારા વેવાણના પિતાને સમગ્ર મામલે જાણ કરીને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પિતા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.


વેવાઈ અને વેવાણ યુવાકાળથી એકબીજાના પ્રેમમાં હતા. વેવાઈ રાકેશ જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેની સામેની બિલ્ડીંગમાં વેવાણ રીટા રહેતી હતી. તે સમયે બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ હતી. ત્યારબાદ બંનેના લગ્ન અલગ-અલગ જગ્યા પર થઇ ગયા હોવા છતાં પણ બંનેએ એકબીજાની સાથે સંબંધ રાખ્યો હતો. વર્ષો પછી બંને એકબીજાની નજીક રહી શકે એટલે બંનેના સંતાનોના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ વેવાઈ અને વેવાણ એકબીજા વિના રહી ન શક્યા અને અંતે બંને દીકરા અને દીકરીના લગ્ન પહેલા 10 જાન્યુઆરીના રોજ ભાગી ગયા હતા.