ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAના ઉમેદવાર : નકવી અથવા કેપ્ટન પર કળશે ઢોળશે

July 06, 2022

નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે તારીખોની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે NDA અને વિપક્ષ પોત-પોતાના ઉમેદવાર શોધવાની તૈયારીમાં લાગ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAએ ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને પોતાના ઉમેદવાર બનાવાયા છે. સામે પક્ષે યશવંત સિન્હા વિપક્ષના ઉમેદવાર છે.

મળતી માહિતી પ્રમાણે હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA તરફથી મુસ્લિમ સમુદાયના 3 અને શિખ સમુદાયના 1 નામની ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી નજમા હેપતુલ્લાના નામ એનડીએના ઉમેદવાર તરીકે માનવામાં આવી રહ્યા છે. આ સિવાય પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનું નામ પણ આ રેસમાં શામેલ છે.

આંકડા દર્શાવે છે કે, NDAની પાસે પોતાના ઉમેદવારને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતાવવા માટે પર્યાપ્ત વોટ છે. એકલા હાથે જ બીજેપી પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારને જીતાડવા સમર્થ છે.

10 ઓગસ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનો કાર્યકાળ સમાપ્ત થવા જઇ રહ્યો છે. નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટના રોજ શપથ લેવાના છે. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે પસમાંદા મુસ્લિમ સમુદાયના એક સક્ષણ, બિનવિવાદાસ્પદ નેતા અંગે મંથન ચાલી રહ્યું છે. પાર્ટી આરિફ મોહમ્મદ ખાન, કૈપ્ટન અમરિંદર, નકવી, હેપતુલ્લા આ ચાર નામો પર સહમત થઇ શકે છે.