દેશમાં ૨૪ કલાકમાં નવા ૩,૬૮,૧૪૭ કેસ, વધુ ૩૪૧૭ લોકોનો કોરોનાએ ભોગ લીધો

May 04, 2021

નવી દિલ્હી: દેશમાં કોરોનાનો કોપ ચાલુ રહ્યો છે. સંક્રમિતોની સંખ્યા ૨ કરોડની નજીક પહોંચીને ૧,૯૯,૨૫,૬૦૪ થઈ છે. જો કે રવિવારે ટેસ્ટિંગ ઓછા હોવાના
લીધે છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસની સંખ્યામાં સાધારણ ઘટાડો નોંધાયો છે. વધુ ૩,૬૮,૧૪૭ લોકો કોરોના સંક્રમિત થયા છે. વધુ ૩૪૧૭ લોકોનો
કોરોનાએ ભોગ લીધો છે. પરિણામે કુલ મૃતકોની સંખ્યા ૨,૧૮,૯૫૯ થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૪ લાખનાં ચિંતાજનક સ્તરને વટાવી ગઈ છે.
૩૪,૧૩,૬૪૨ લોકો હજી ઘરમાં કે હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. સોમવારે સતત ૧૨ દિવસે કોરોનાનાં નવા કેસનો આંકડો ૩ લાખનાં આંકથી વધારો
નોંધાયો છે. કોરોનાથી મુક્ત થયેલા લોકોની સંખ્યા ૧,૬૨,૯૩,૦૦૩ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૦૦,૭૩૨ લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દરરોજ
નોંધાતા નવા કેસમાં પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, યુપી અને આંધ્રનો હિસ્સો જ ૪૯.૨ ટકા છે. મહારાષ્ટ્ર એકલામાં જ નવા ૧૫.૩૯ ટકા કેસ નોંધાયા
છે. અહીં ૨૪ કલાકમાં સૌથી વધુ ૬૬૯નાં મોત થયા છે. તે પછી ૪૦૭નાં મોત સાથે દિલ્હી બીજા નંબરે છે. દેશનાં ૧૨ રાજ્યોમાં સંક્રમણથી સ્થિતિ ગંભીર
બની છે. દેશનાં ૧૫૦ જિલ્લામાં સંક્રમણ ૧૫ ટકાથી વધુ છે જ્યારે ૨૫૦ જિલ્લામાં ૧૦થી ૧૫ ટકાની વચ્ચે છે. રિકવરી રેટ ૮૨ ટકાની નજીક છે. દેશ માટે
એપ્રિલ મહિનો ખતરનાક અને જીવલેણ પૂરવાર થયો હતો. આ મહિનામાં કોરોનાએ માઝા મુકી હતી, નવા કેસની સંખ્યા ૬૬,૧૩,૬૪૧ નોંધાઈ હતી જ્યારે
૪૫,૮૬૨ દર્દીઓ કોરોનાનાં ખપ્પરમાં હોમાયા હતા.