નિત્યા મેનનની ચાહક દ્વારા 30 જુદા જુદા નંબર પરથી ફોન કરી સતામણી

August 08, 2022

મુંબઈ: સાઉથની જાણીતી હિરોઈન નિત્યા મેનન સંતોષ વાર્કે નામના ફિલ્મ સમીક્ષકના એકતરફી પ્રેમથી હેરાનપરેશાન થઈ ગઈ છે. સંતોષ છેલ્લા છ વર્ષથી તેને ફોન કરીને પ્રેમનો એકરાર કરે છે. તે નિત્યા સાથે પોતાનાં લગ્નની અફવા પણ ઉડાવી ચૂક્યો છે. વેબ સિરીઝ 'બ્રિથ ઈન ટૂ શેડોઝ'માં અમિતાભની હિરોઈનનો રોલ કરનારી નિત્યાના જણાવ્યા અનુસાર સંતોષ તેને ૩૦ જુદા જુદા નંબર પરથી ફોન કરી પરેશાન કરી રહ્યો છે. સંતોષ તેના માતા-પિતાને પણ ફોન કરી લગ્નની દરખાસ્ત મુકી રહ્યો છે. 
નિત્યાએ એકવાર તેને પોલીસ ફરિયાદની ધમકી પણ આપી હતી પરંતુ તેના કારણે તેની લાઈફ બરબાદ થઈ જશે એમ વિચારી માંડી વાળ્યું હતું પરંતુ હવે તે અતિરેક કરી રહ્યો છે એમ નિત્યાએ જણાવ્યું હતું. નિત્યાએ જણાવ્યું હતું કે પોતે સંતોષ દ્વારા માનસિક સતામણીનો ભોગ બની રહી છે. બીજી તરફ સંતોષે આ દાવાઓને ફગાવતાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ ૩૦ અલગ અલગ સિમ મેળવી શકે એ શક્ય જ નથી. નિત્યાની માતા કહે છે કે તેના લગ્ન અન્ય કોઈની સાથે થવાના છે જ્યારે નિત્યાના પિતા તેનો ઈનકાર કરે છે. આ પરિવાર વિરોધાભાસી વાતો કરી રહ્યો છે. સંતોષે એમ પણ કહ્યું હતું કે મારો સાચો પ્રેમ નિત્યાને સતામણી લાગે છે તેવી મને પહેલેથી ખબર હોત તો હું તેના પ્રેમમાં પડયો જ ના  હોત.