કોરોના હવાથી ફેલાય છે તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી : WHO

July 07, 2020

જિનિવાઃ કોરોના હવા દ્વારા પણ ફેલાય છે તેવો દાવો થોડા દિવસ પહેલાં ૩૨ દેશના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ દાવાને નકારવામાં આવ્યો હતો. WHOના અધિકારીઓેએ આ મુદ્દે મળેલા ડેટાનું પરીક્ષણ કરીને સ્પષ્ટતા કરી હતી કે કોરોના હવાથી ફેલાય છે તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. શ્વાસ દ્વારા કોરોના ફેલાવો અને હવા દ્વારા ફેલાવો તે બંને અલગ વાત છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે સમજો કે કોરોનાના વાઈરસ હવા દ્વારા ફેલાતા હોય પણ તેને કોઈ હોસ્ટ ન મળે તો તે હવામાં વધુ જીવિત રહી શકતા નથી. આથી આ મામલે વધુ ચિંતા કરવાની જરૂર નથી. WHOએ કહ્યું હતું કે કોરોનાનું સંક્રમણ રોકવા અમે જેટલાં પગલાં લઈ શકાય તેટલાં લીધાં છે. લોકો માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોનું પાલન કરે અને રોગપ્રતિકારક શક્તિ વધારે તે જરૂરી છે. લોકોએ આ મામલે વધુ ભ્રમમાં રહેવાની જરૂર નથી કે ફફડાટ રાખવાની જરૂર નથી.અમેરિકામાં ૪૦ જેટલા રાજ્યોમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. એટલાન્ટાના મેયર કિશા લાન્સ બોટમ્સને કોરોના થયો છે. તેમને કોઈ લક્ષણો ન હતા છતાં ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૩૦,૪૨,૪૬૧ થઈ છે જ્યારે ૧,૩૩,૦૬૧નાં મોત થયાં છે.