ગોંડલ-જૂનાગઢ હાઇવે પર બે વ્યક્તિઓ કાળનો કોળિયો બન્યા

October 17, 2020

જૂનાગઢ : રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. બીજી બાજુ આજથી નવલી નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ નોરતે જ સૌરાષ્ટ્રમાંથી માઠા સમાચાર આવ્યા છે. આજે રાજકોટ જિલ્લાના ગોંડલ જૂનાગઢ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત થયો હોવાની માહિતી મળી રહી છે. આ ગમખ્વાર અકસ્માતમાં કાર સવાર 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ગોંડલમાં ગૂંદાળા ચોકડી પાસે ગોંડલ-જૂનાગઢ હાઇવે પર એક કારનો ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

આ અકસ્માતમાં જે કારનો કચ્ચરઘાણ વળી ગયો છે તેનો નંબર GJ03AB5461 આરટીઓ રજિસ્ટ્રેશન છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે આગળથી સમગ્ર ભાગ પડીકું વળી ગયો હતો. જેના કારણે કારમાં સવાર 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. નવરાત્રિના નવા દિવસોમાં પ્રથમ નોરતે જ અકસ્માતમાં બે વ્યક્તિના જીવ જતા સમગ્ર ગોંડલ પંથકમાં વાયુવેગે સમાચાર પ્રસરી રહ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતમાં ભોગ બનનાર વ્યક્તિઓના નામ જાણી શકાયા નથી પરંતુ ડ્રાઇવરની બેઠક પરથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહ યુવકનો છે અને તેણે ધોતી તેમજ ઝભ્ભો પહેર્યો હતો. કારમાંથી એક ગલગોટાની માળા પણ મળી આવી છે જેના પગલે મંદિરે જઈ રહ્યા અથવા તો પરત આવી રહ્યા હોવાની શક્યતાઓ જોવાઈ રહી છે.