વિશ્વના દરેક ક્રિકેટપ્રેમી સુધી IPLને પહોંચાડવાનું અમારૂં લક્ષ્ય : નીતા અંબાણી

June 16, 2022

મુંબઈ : મીડિયા રાઈટ્સની રેકોર્ડ બોલી સાથે વિશ્વની બીજી સૌથી મોટી સ્પોર્ટ્સ લીગનો ખિતાબ પોતાને નામે કરનાર આઈપીએલને હવે દેશ જ નહિ પરંતુના વિશ્વના દરેક ખૂણે વસતા ક્રિકેટરસિક પાસે પહોંચાડવાનો નિર્ધાર નીતા અંબાણીએ કર્યો છે. મુકેશ અંબાણીના ધર્મપત્ની અને આઈપીએલમાં સૌથી વધુ ટ્રોફી જીતનાર મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણીએ હવે આઈપીએલના યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરવા માટે ડિજિટલ ક્રિકેટ લીગને વધુ પ્રાધાન્ય આપવા જણાવ્યું છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર નીતા અંબાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ક્રિકેટ અને આઈપીએલ શ્રેષ્ઠ રમત અને ભારતની સર્વશ્રેષ્ઠતાને વ્યક્ત કરે છે તેથી જ આ મહાન રમત અને આ અદ્ભુત લીગ સાથે અમારૂં ટાઈ-અપને વધુ ગાઢ બનાવતા ગર્વ અનુભવીએ છીએ.

“રમતગમત આપણું મનોરંજન કરે છે, આપણને પ્રેરણા આપે છે અને આપણને એક સાથે લાવે છે. ક્રિકેટ અને આઈપીએલ શ્રેષ્ઠ રમત અને ભારતની સર્વશ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે, તેથી જ અમે આ મહાન રમત અને આ અદ્દભૂત લીગ સાથેના અમારા જોડાણને વધુ ગાઢ બનાવવામાં ગર્વ અનુભવીએ છીએ. અમે જે કંઈ કરીએ છીએ તેની જેમ જ, અમારું મિશન ક્રિકેટ ચાહકો જ્યાં પણ હોય ત્યાં - અમારા દેશના દરેક ભાગમાં અને વિશ્વભરમાં IPLનો આનંદદાયક અનુભવ પહોંચવાનો છે”, તેમ નીતા અંબાણીએ જણાવ્યું હતું.