પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકનું વિવાદિત નિવેદન : વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ પહેલા ભારતીય ખેલાડીઓ ડરેલા દેખાતા હતા

November 27, 2021

નવી દિલ્હી: ગત મહિને રમાયેલા T20 વર્લ્ડકપની સુપર-12 મુકાબલામાં પાકિસ્તાને ટીમ ઈન્ડિયા સામે જબરદસ્ત મોટી જીત નોંધાવી હતી. પાકિસ્તાનને પહેલીવાર કોઈ પણ વર્લ્ડકપની મેચમાં ભારતને હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમે 10 વિકેટે મોટી જીત નોંધાવીને ભારતીય ટીમનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું રોળી નાંખ્યું હતું.

આ જીત બાદ હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકનું નિવેદન સામે આવ્યું છે. ઈન્ઝમામે પાકિસ્તાનની એક ચેનલ પર જણાવ્યું છે કે, ભારતીય ટીમના ખેલાડીઓ પાકિસ્તાન સામેની મેચના ઘણા સમય પહેલા ડરેલા દેખાઈ રહ્યા હતા. પાકિસ્તાન સામેની હાર બાદ ભારતને ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને મેચમાં હારને કારણે ભારતીય ટીમ સુપર-12 રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી.

ઇન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે જો તમે ટોસ સમયે બંને ટીમોના કેપ્ટનોની બોડી લેંગ્વેજની તુલના કરો તો બાબર આઝમ સામેની મેચમાં વિરાટ કોહલી ખૂબ જ ડરી ગયેલો અને દબાણમાં દેખાતો હતો. પાકિસ્તાન ટીમની બોડી લેંગ્વેજ ભારતીય ટીમ કરતા ઘણી સારી હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલની શરૂઆતમાં પડેલી વિકેટથી ભારતીય ટીમ વધુ દબાણમાં આવી ગઈ હતી.

ભારતીય ટીમના પ્રદર્શન પર આશ્ચર્ય વ્યક્ત કરતા ઈંઝમામે જણાવ્યું હતું કે તમે ક્યારેય ટીમ ઈન્ડિયા પાસેથી આવી નિમ્નકક્ષાની ક્રિકેટની અપેક્ષા હોતી નથી, પરંતુ T20 વર્લ્ડકપની મેચોમાં આખી ટીમ દબાણમાં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાને આ મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. ભારતે આપેલા 152 રનના ટાર્ગેટને પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેનોએ સરળતાથી હાંસલ કરી લીધો હતો. આ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પાકિસ્તાન બહાર થઈ ગયું હતું.