સરહદે પાકિસ્તાનનો બેફામ તોપમારો કાશ્મીરમાં સાત આતંકી પકડાયા

October 17, 2020

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પાસે પાસે પાકિસ્તાને બેફામ તોપમારો અને ભારે ગોળીબાર કરીને ફરી એક વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. બીજી તરફ ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો હતો. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાંજે 5.15 વાગ્યે પાકિસ્તાની સેનાએ કોઇ પણ કારણ વગર ગોળીબાર અને તોપમારો શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેનાએ ચાલુ મહિનામાં અત્યાર સુધી 18 વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ તોપમારો કરતા જુનિયર કમિશન્ડ ઓફિસર(જેસીઓ) ઇજાગ્રસ્ત થયા હતાં. પાકિસ્તાની અવળચંડાઇ સતત ચાલુ રહેતા સરહદની પાસે આવેલા ગામોને હાઇએલર્ટ કરવામાં આવ્યા છેબીજી તરફ આજે જમ્મુ-કાશ્મીરમાંથી સાત આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે 14 ઓગસ્ટ અને પાંચ ઓક્ટોબરે નેશનલ હાઇવે પાસે સુરક્ષા દળો પર થયેલા હુમલાના સંદર્ભમાં આતંકવાદીઓની ધરપકડ કરી છે. અાતંકીઓને પકડવા માટે ઇન્વેસ્ટીગેશન ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો. માટે પોલીસે શ્રીનગરના છાડોરા, બડગામ, નાવગામ સહિતના અનેક વિસ્તારોમાં દરોડા પાડયા હતાં. આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કરનારા આતંકીઓને મદદ કરી હતી,.