ગુજરાતમાં હવે બંધ સ્કૂલે પણ વાલીઓએ ફી ભરવી પડશે: હાઇ કોર્ટે સરકારી પરિપત્ર રદ કર્યો

August 01, 2020

અમદાવાદ: ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં શિક્ષણનું વેપારીકરણ થયું હોવાથી લોકડાઉનથી આજ સુધી બંધ રહેલી ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીની પઠાણી ઉઘરાણી થતી હોવાથી સરકારે હાલ પૂરતું શાળાઓ બંધ હોવાથી ત્રણ મહિના સુધી વાલીઓને ફી નહીં ભરવા માટેની મુદત વધારી આપતો પરિપત્ર જાહેર કર્યો હતો જેને આજે ગુજરાત હાઇ કોર્ટે રદ કરતો વચગાળાનો ચુકાદો આપ્યો હતો જો કે હજુ આખરી ચુકાદો આવવાનો બાકી છે. બીજી બાજુ ખાનગી અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો દ્વારા કોર્ટના વચગાળાના ચુકાદોને આવકારવામાં આવ્યો હતો જ્યારે વાલી મંડળ દ્વારા સરકારને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારવાની માંગણી કરવામાં આવી છે. બીજી બાજુ રાજ્યના શિક્ષણ પ્રધાન ચૂડાસમાએ હાઇકોર્ટના આખરી ફેંસલો આવ્યા બાદ અભ્યાસને અંતે તેનો અમલ કરવાની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં ખાનગી અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકો એટલે માલિકો મોટા ભાગે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો છે. સળંગ ચાર મહિનાથી બંધ શાળાઓમાં શિક્ષણ કાર્ય જ બંધ હતું તેમજ છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવવામાં આવ્યું હતુ પરંતુ શાળા બંધના સમયગાળા દરમિયાન ફી નહીં ઉઘરાવા માટે સરકારે પરિપત્ર જાહેર કરતા જ શાળા સંચાલકો દ્વારા ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું.

ત્યાર બાદ હાઇ કોર્ટમાં આ મુદ્દે અરજી કરતા પહેલા જ કાનૂની પાસાઓના ભાગરૂપે ઓનલાઇન શિક્ષણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. બીજી તરફ આજે ગુજરાત હાઈ કોર્ટમાં રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ, ખાનગી સ્કૂલની ફી મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સ્કૂલ ફી માફીનો પરિપત્ર આખરે રદ કર્યો હતો. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટે યથાવત રાખ્યા છે. થોડા દિવસોમાં કોર્ટ વિગતવાર હુકમ જાહેર કરશે.


આ ચુકાદાને પગલે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, આજ રોજ નામદાર હાઈ કોર્ટે રાજ્ય સરકાર,વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કરતા જણાવ્યું છે કે શાળાઓ ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રાખે. ઓનલાઈન શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ. નામદાર હાઈ કોર્ટના વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ તેનો અભ્યાસ કરીને નામદાર હાઈ કોર્ટના આદેશનું સરકાર સંપૂર્ણ પાલન કરશે.