દિલ્હી સામે મેચ પહેલા જ પંજાબને લાગ્યો મોટો ઝટકો, કેએલ રાહુલ હોસ્પિટલમાં દાખલ

May 02, 2021

આઈપીએલ 2021માં પંજાબ કિંગ્સ માટે ઘણા ખરાબ સમાચાર આવ્યા છે. પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબની ટીમે આ અંગે માહિતી આપી છે.


વાસ્તવમાં કેએલ રાહુલને એપેન્ડિક્સમાં ભારે દુખાવાની ફરિયાદ બાદ સર્જરી અને સારવાર માટે મુંબઇ મોકલવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલી એક જાહેરાત અનુસાર, રાહુલે ગઈકાલે રાત્રે પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી અને દવા લીધા પછી પણ તેને આરામ ન મળ્યો. તેમને તપાસ માટે ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં જાહેર થયું હતું કે તેમને એપેન્ડિસાઈટિસમાં ગંભીર સમસ્યા છે. તેણે કહ્યું, તેની સારવાર સર્જરીથી કરવામાં આવશે અને તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.


પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2021ની 29મી મેચ થોડીવારમાં શરૂ થવાની છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. કેએલ રાહુલ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે, તેથી તે આજની મેચ રમી શકશે નહીં. મયંક અગ્રવાલ રાહુલની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે.