વડોદરામાં રેમડેસિવિરની કાળાબજારીઃ ડોક્ટર અને નર્સ ઝડપાયા

April 11, 2021

હાલ સમગ્ર રાજ્યમાં કોરોનાની ગંભીર સ્થિતિને લઈને કેસો સતત વધી રહ્યા છે. સાથે જ હાલમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન વધારે ઘાતક હોવાથી રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં ધરખમ વધારો થયો છે. જેને કારણે હાલ રેમડેસિવિરની અછત સર્જાઈ છે. અને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવાં છતાં ઈન્જેક્શન મળતાં નથી. તેવામાં હવે આ અછતનો લાભ લેવા માટે હવે રેમડેસિવિરની કાળા બજારી શરૂ થઈ ગઈ છે. વડોદરા પોલીસે કાળા બજારી કરતાં 2 લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં એક ડોક્ટર અને એક નર્સ છે.


કોરોના મહામારી દરમિયાન રેમડેસિવિર ઈન્જેક્શનની અછતનો લાભ લઈને કાળાબજારી ફૂલબહારમાં ચાલી રહી છે. વડોદરામાં પીસીબીએ બાતમીને આધારે 7500 રૂપિયામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. અને મુસ્લિમ મેડિકલ સેન્ટરનો મેલ નર્સ 9 હજાર રૂપિયામાં રેમડેસિવિર ઈન્જેક્શન વેચતો હતો. પોલીસે બંનેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આર્થિક ફાયદા માટે 7,500 રૂપિયામાં ઇન્જેક્શન વેચતો હતો.


ડો. ધીરેન દલસુખભાઇ નાગોરા (ઉંમર41), (રહે. ડી-84, પાવનધામ સોસાયટી, વૈકુંઠ-2 પાસે, ખોડિયારનગર, વારસીયા રિંગ રોડ, વડોદરા)નો હોવાનુ જણાવ્યું હતું. પીસીબીએ ડોક્ટરની વધુ પૂછપરછ કરતા મુસ્લિમ મેડિકલ સેન્ટરમાં મેઇલ નર્સ તરીકે નોકરી કરતો રાહુલભાઇ વાળંદ પણ આ રેમડિસિવર ઇન્જેકશનો વેચતો હોવાનું જણાવ્યું હતું.