રસી નહીં મુકાવવાનું વલણ સમગ્ર દેશ માટે જોખમ વધારનારુ : ટ્રુડો

January 11, 2022

ઓન્ટેરિયો: ઓમિક્રોન વાઇરસને કારણે દેશભરમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યારે જે લોકો હજુ પણ રસી મુકાવવાનો ઇન્કાર કરે છે તેના ઉપર કેનેડીયનોમાં નારાજગી ફેલાઈ રહી છે. એક તરફ મોટી સંખ્યામાં કેનેડીયનો રસી મુકાવવા માટે આગળ આવી રહ્યા છે અને કેનેડા હાલમાં રસી લેનારા દેશોમાં 5માં ક્રમે છે. જયારે બીજી તરફ રસી નહિ મુકાવનારા લોકોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે મોટી સમસ્યા ઉત્પન્ન થઇ છે તેમ ટ્રુડોએ જણાવ્યું હતુ.
પીએમ ટ્રુડોએ વધુમાં કહ્યું હતુ કે, આ સરકાર કે આરોગ્ય કર્મચારીનો પ્રશ્ન નથી. પરંતુ અનેક કેનેડિયનો હજુ પણ રસી મુકાવવાનું પસંદ કરતા નથી. તેના કારણે કર્મચારીઓમાં પણ રોષ ફેલાયો છે. જયારે લોકો રોગ ફેલાવાની સતત ચિંતા કરતા હોય ત્યારે અન્ય લોકો પોતાની તથા રોગીઓની ચિંતા કર્યા વિના રસી ના મુકાવવાનું જડ વલણ છોડી રહ્યા નથી.
લોકોએ મહા-રોગચાળા દરમિયાન લોકડાઉન અને ગંભીર જાહેર આરોગ્ય સબંધી સખ્ત પગલાંઓનો અનુભવ કર્યો છે. ત્યારે કેટલાક લોકો રસી ના મુકાવીને જોખમ ઉભું કરી રહ્યા છે.
રસીકરણના આંકડા જોવા જઈએ તો 5 વર્ષ અને તેથી મોટી વયના 87% લોકોએ રસી મુકાવી છે. અને ઓછામાં ઓછો કોવીડ -19નો એક ડોઝ લીધો છે. જયારે 80.6% લોકોએ રસીના બંને ડોઝ લીધા છે.
ટ્રુડોએ જણાવ્યું હતું કે, રસીકરણના અભિયાનમાં ટોચના 5 દેશોમાં કેનેડાનો સમાવેશ થાય છે. બીજી તરફ ઓમિક્રોન વાઇરસ હોપિટલમાં લોકોને દાખલ થવાની ફરજ પાડે છે. ત્યારે બીજા કેટલાક લોકો રસી મુકાવવાનો અને સર્જરીનો વિરોધ કરીને કેનેડાના જાહેર આરોગ્ય સામે ખતરો ઉભો કરી રહ્યા છે.