રોહિત ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોર કરનાર બેટ્સમેન 

November 23, 2021

કોલકત્તા: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ રવિવારે વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. તે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોર બનાવનારો બેટ્સમેન બની ગયો છે. રવિવારે કોલકત્તામાં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ ટી-૨૦ સિરીઝની છેલ્લી મેચમાં રોહિત શર્માએ આ સફળતા હાંસલ કરી હતી. રોહિતે ૩૦ બોલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. આની સાથો સાથ તે વિરાટ કોહલીથી પણ આગળ નીકળી ગયો છે, જેને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. રોહિત શર્માના નામે ૨૬ હાફ સેન્ચ્યુરીની સાથે ચાર સેન્ચ્યુરી પણ છે. તો વિરાટ આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ સેન્ચ્યુરી ફટકારી શકયો નથી. વિરાટ કોહલીના નામે ૨૯ હાફ સેન્ચ્યુરી છે. તેના નામે ૯૫ મેચોમાં ૩૨૨૭ રન છે અને તેને બેટિંગ એવરેજ ૫૨ય૦૪ છે. વિરાટ કોહલીએ પહેલા જ ટી-૨૦ ઈન્ટરનેશનલ વર્લ્ડ કપ બાદ કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમ યુએઈમાં રમાયેલા આ વર્લ્ડ કપના સેમીફાઈનલમાં પહોંચી શકી નહોતી.
આની સાથે જ રોહિત શર્મા રવિવારે ટી-૨૦ ઈન્ટરનેશનલમાં ૧૫૦ સિક્સર ફટકારનારો બીજો બેટ્સમેન બની ગયો. તો માર્ટિન ગષ્ટિલ બાદ આવું કરનારો તે માત્ર બીજો ક્રિકેટર છે. રોહિત શર્માએ લોકી ફર્ગ્યુસનની બોલિંગ પર સિક્સર ફટકારીને આ સિદ્ધી હાંસલ કરી હતી. રોહિત શર્માએ ૧૧૯ મેચોમાં ૧૫૦ સિક્સર ફટકારી છે. તે માર્ટિન ગષ્ટિલથી માત્ર ૧૧ સિક્સર પાછળ છે, જેણે ૧૧૨ મેચોમાં ૧૬૧ સિક્સર ફટકારી હતી. કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ મેદાન પર એક મહત્વની ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી. આ એ ક્ષણ હતી કે જ્યારે દીપક ચહરે સિક્સ ફટકારી. દીપક ચહરે સિક્સર ફટકાર્યા બાદ રોહિત શર્માએ તેને સેલ્યૂટ કરી હતી. ચહરે એડમ મિલ્નેની છેલ્લી ઓવરમાં આવી જ એક જોરદાર સિક્સર ફટકારી હતી. દીપક ચહરે એડમ મિલ્નેની બોલિંગ પર ફ્લેટ બેટથી સિક્સર ફટકારી અને બોલ લોન્ગ ઓન સ્ટેન્ડ્સમાં જઈને પડયો હતો. ત્યારે કેપ્ટન રોહિત શર્માએ તેની ભારોભાર પ્રશંસા કરતા સેલ્યૂટ કરી હતી.