નારાયણ મૂર્તિના જમાઈ રૂષિ સુનક બન્યા બ્રિટનના નવા નાણાં પ્રધાન

February 13, 2020

લંડન : ભારતીય મૂળના રાજકારણી રૂષિ સુનકને ગુરુવારે બ્રિટનના નવા નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા. સુનક ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. તેમણે મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન કર્યા છે.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે નાણાં પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ તેમના પ્રધાનમંડળમાં આ ફેરબદલ કર્યો.

સુનક જહોનસન કેબિનેટમાં ભારતીય મૂળના બીજા મહત્વપૂર્ણ પ્રધાન છે. ભારતીય મૂળની પ્રીતિ પટેલ બ્રિટનના ગૃહ પ્રધાન છે. સાજિદે તાજેતરમાં જ અણધારી રીતે રાજીનામાની જાહેરાત કરી દીધી હતી.

ડિસેમ્બર 2019 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જહોનસનની આગેવાની હેઠળની કન્ઝર્વેટિવ પાર્ટી ફરીથી સત્તામાં આવી. 39 વર્ષીય સુનક હેમ્પશાયરમાં જન્મ્યા છે, 2015 થી રિચમોન્ડ (યોર્કશાયર) ના સાંસદ છે.

ગયા વર્ષે ટ્રેઝરીમાં મુખ્ય સચિવ તરીકે બઢતી મળ્યા બાદ પહેલાં તેઓ સ્થાનિક સરકારના વિભાગમાં એક જુનિયર પ્રધાન હતા. ડાઉનિંગ સ્ટ્રીટએ એક સત્તાવાર ઘોષણામાં કહ્યું કે રાણીએ રૂષિ સુનકની ચાન્સલર ઓફ એક્સચેન્જર તરીકે નિમણૂકને મંજૂરી આપી છે.