મની લોન્ડ્રિંગ કેસમાં હવે સંજય રાઉતની પત્ની વર્ષાને EDનું તેડુ

August 05, 2022

પ્રવર્તન નિર્દેશાયલ (ED)એ ગુરુવારે શિવસેના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષાને મની લોન્ડ્રિંગ કેસમાં સમન્સ મોકલ્યું છે. કોર્ટ દ્વારા સંજય રાઉતની મની લોન્ડ્રિંગ કેસમાં ED રિમાન્ડ વધારવાના થોડા કલાક બાદ આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, કેન્દ્રીય એજન્સીએ મુંબઈના ગોરેગાંવમાં પાત્રા ચૉલના રિડેવલોપમેન્ટમાં નાણાંકીય ગેરરીતિ સંદર્ભે સંજય રાઉતની રવિવારે ધરપકડ કરી હતી. આ મામલે સંજય રાઉત ઉપરાંત તેમની પત્ની તેમજ કેટલાક સહયોગીઓ પણ સામેલ હોવાનું કહેવાય છે.

EDએ કહ્યું કે, વર્ષા રાઉતના ખાતામાં કરવામાં આવેલી લેવડ-દેવડ સામે આવ્યા બાદ સમન્સ મોકલવામાં આવ્યુ છે. કોર્ટમાં ગુરુવારની સુનાવણી દરમિયાન EDએ કહ્યું કે, વર્ષા રાઉતના ખાતામાં અજાણ્યા વ્યક્તિઓ તરફથી 1.08 કરોડ રૂપિયાની રકમ મળી હતી.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં ઈડીએ તપાસ દરમિયાન રાઉતની પત્ની વર્ષા રાઉત તેમજ તેમના બે સહયોગીઓની રૂપિયા 11.15 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિને ટાંચમાં લીધી હતી. અગાઉ મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે શિવસેના સાંસદ સંજય રાઉતની ED કસ્ટડીને 8 ઓગસ્ટ સુધી વધારી દીધી છે.