સોનભદ્રમાં ત્રણ હજાર ટન તો શું 150 કિલો સોનું પણ હોય તો હોય : GSI

February 23, 2020

નવી દિલ્હી : છેલ્લા બે દિવસથી ઉત્તર પ્રદેશનું સોનભદ્ર દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. સમાચાર પત્રોથી લઇને ટીવી ચેનલો અને સોશિયલ મીડિયામાં પણ સોનભદ્ર છવાયેલું હતું. તેનું કારણ હતું કે એવા સમચાર સામે આવ્યા હતા કે સોનભદ્ર જિલ્લામાંથી 3000 ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે.

જિલ્લા ખનન અધિકારી દ્વારા આ દાવો કર્યો હતો. ત્યારે જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આ વાતને શનિવારે નકારી કાઢી છે. સાથે જ જણાવ્યું છે કે 3000 ટનનહીં પરંતુ માત્ર 160 કિલો સોનુ જ મળે તેમ છે, અને 160 કિલો પણ નિશ્ચિત નથી. કદાચ તેટલું સોનુ પણ ના મળે.

સોનભદ્રના જિલ્લા ખનન અધિકારી કે કે રાયે જણાવ્યું હતું કે જીએસઆઇને સોનભદ્ર જિલ્લાના પહાડોમાંથી લગભગ 3000 ટન જેટલા સોનાનો ભંડાર મળ્યો છે. જેની કિંમત પણ 12 લાખ કરોડ આંકી દેવામાં આવી. આ સોનાના ટેન્ડરિંગની પ્રક્રિયા માટે સાત સભ્યોની કમિટિ બની ગઇ છે તેવી વાતો પણ સામે આવી હતી.

ત્યારે આ બધી ઉથલપાથલ વચ્ચે શનિવારે જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ એમ શ્રધરે જણાવ્યું કે 'જીએસઆઇ દ્વારા આવી કોઇ પણ પ્રકરની માહિતી આપવામાં આવી નથી, સોનભદ્ર જિલ્લામાં આટલી માત્રામાં સોનુ હોવાનું કોઇ અનુમાન જીએસઆઇએ લગાવ્યું નથી' કોલકાતામાં એમ શ્રીધરે મીડિયાને આ માહિતી આપી છે.

જીએસઆઇના અધિકારિક નિવેદન બાદ 3000 ટન સોનાની વાતમાં જાણે કે 'ખોદા પહાડ નિકલા ચુહા' જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.  સોનાને લઇને અનેક વાતો વહેતી થઇ હતી કે ઉત્તર પ્રદેશ સરકારની તિજોરી છલકાઇ જશે, દેશની મંદી દૂર થઇ જશે વગેરે વગેરે. 

ત્યારે જીએસઆઇના શ્રીધરે વધુમાં કહ્યું કે 'રાજ્યના વિભાગ સાથે મળીને સર્વે કર્યા બાદ જ અમે આ પ્રાકરની માહિતી બહાર પાડીએ છીએ. અમે(જીએસઆઇ) આ વિસ્તારમાં  1998-99 અને 1999-2000ના વર્ષમાં ખોદકામ કર્યુ હતું. જેનો રિપોર્ટ પણ ઉત્તર પ્રદેશના ડીજીએમને આપવામાં આવ્યો હતો, જેથી તેઓ આગળની કાર્યવાહિ કરી શકે.'

તેમણે આગળ જણાવ્યું કે 'સોના માટે જે ખોદકામ કરવામાં આવ્યું તે સંતોષકારક નહોતું. તેમજ સોનભદ્ર જિલ્લામાં સોનાનો વિશાળ જથ્થો  હોવાની વાતના પરિણામો પણ ખાસ નહોતા' સોનભદ્ર જિલ્લાના ખનન અધિકારીએ જણવાયું હતું કે જિલ્લાના સોન પહાડી અને હરદી વિસ્તારમાં સોનાનો ભંડાર મળ્યો છે.